કાલોલ તાલુકાના વેજલપુર સ્થિત MGVCL વિભાગના રેઢીયાળ વહીવટને પગલે ચોમાસું સિઝનમાં વરસાદ કરતાં વીજ પુરવઠાના છબરડા વધારે જોવા મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઉઠેલી લોકબુમો અનુસાર વેજલપુર સ્થિત MGVCL વિભાગના સબ સ્ટેશન હેઠળના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસું સિઝનમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સામાન્ય વરસાદને પગલે અવારનવાર સર્જાતા વીજ છબરડાઓને કારણે હાલત કફોડી બની જવા પામે છે. સામાન્ય વરસાદને પગલે વીજળી ડૂલ થતાં હેલ્પ લાઇન સતત વ્યસ્ત જોવા મળે છે અને માંડ એકાદ ફોન જોડાયા પછી કમ્પલેઈન કરવામાં આવે ત્યારે ‘લાઈન પર ફોલ્ટ છે અને સ્ટાફ ઓછો છે, સ્ટાફ અન્ય વીજલાઈનો પર કામ કરે છે એટલે વાર લાગશે’ એવા શિરસ્તા મુજબનો જવાબ વાળીને વીજ પુરવઠો યથાવત કરવામાં દિવસે અડધો દિવસ અને રાત્રીના સુમારે અડધી રાત સુધીનો અંધારપટ છવાયેલો રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે સાંજે સુરેલી, ઘુસર, વ્યાસડા, અડાદરા, આથમણા, ભુખી સુધીના અનેક ગામડાઓની લાઈનોનો વીજ પુરવઠો ખોરવાયા પછી રાત્રે બે વાગ્યે અડધા વિસ્તારમાં વીજ પુરવઠો પુરો પાડવામાં આવ્યો હતો જે શનિવારે સવારે વિના વરસાદે આખો દિવસ ડુલ થઈ જતાં સાંજ સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હોવાનો આક્રોશ ગ્રામજનોએ વ્યક્ત કર્યો હતો. આમ વેજલપુર સબ સ્ટેશન હેઠળના ગ્રામ્ય વિસ્તારોમાં છાસવારે વીજળીના ધાંધિયાઓને કારણે ચોમાસું સિઝનમાં અંધારપટ સહિત ઉપદ્રવ મચાવતા મચ્છર અને અન્ય જીવજંતુઓથી આરોગ્ય જોખમાય છે, તદ્ઉપરાંત અબાલ વૃદ્ધો અને મહિલાઓને વીજળી વિના ભારે હાલાકીઓ ભોગવવી પડે છે. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સુમાર માટે પુરતો સ્ટાફ યથાવત રાખવામાં આવે અને છાસવારે ઉભા થતા વીજળીના ધાંધિયાઓને દુરસ્ત કરવામાં આવે તેવી અસરગ્રસ્ત ગ્રામજનોની લોકમાંગ ઉઠવા પામી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ગત મહિને બિપોરજોય વાવાઝોડાની અસર હેઠળ જે એગ્રીકલ્ચરનો વીજ લાઈનોનો પુરવઠો ખોરવાયો હતો. જે હજુ પાછલા એક મહિનાથી ઠપ્પ જોવા મળી રહ્યો છે. જે અંગે MGVCL વિભાગ એવું સમજે છે કે ચોમાસામાં ખેડૂતોને મોટર કે પંપ ચાલુ કરવાની જરૂર હોતી નથી પરંતુ ખેતીવાડીની મોટર અને પંપ પશુપાલન માટે પીવાના પાણીની અને સીમમાં જંગલી પ્રાણીઓ અને ઝેરી જાનવરથી બચવા માટે રાત્રે લાઈટો ચાલુ રાખવી પડે છે. જે એગ્રીકલ્ચરનો વીજ પુરવઠો છેલ્લા એક મહિનાથી બંધ હોવાને કારણે એગ્રીકલ્ચર વીજ લાઈનો પર નભતા ખેડૂતો અને પશુપાલકોને તેમના પશુઓ માટે ઉપયોગી પીવાના પાણી અને વીજળીના અભાવે ચોમાસામાં જાનમાલ અંગે ભારે જોખમ વેઠી રહ્યા છે.
બિપોરજોય વાવાઝોડાની અસર પછી પણ કાલોલ અને વેજલપુર સબ સ્ટેશનો હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો પૂરો પાડતા તમામ ફિડરોનો વીજકાપ અંગે તપાસ કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોના વીજકાપ અંગેની વરવી વાસ્તવિકતા પ્રકાશમાં આવે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીઇબીનું ખાનગીકરણ કર્યા પછી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (એમજીવીસીએલ) દ્વારા વીજ પુરવઠાનું સંચાલન કર્યા પછી વીજ મીટરો, વીજ બિલની ઉઘરાણી અને વીજ બિલ ચૂકવણી સામે વિલંબ થાય તો ત્વરિત વીજ કનેકશન કાપી લેવાના માળખામાં ઘણો સુધારો કરીને નાણાકીય ઉઘરાણી બાબતે સમગ્ર તંત્ર સજ્જ અને એલર્ટ જોવા મળે છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો પુરી પાડતી વીજ લાઈનો હજુ એ જ જુના જમાનાની રેઢીયાળ જોવા મળે છે. જેમાં નમેલા વીજ થાંભલાઓ, હલકી કક્ષાની ઇન્સ્યુલેટરની ડીશો, હંગામી અને ખુલ્લા વીજ જોડાણો, ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મરો જે ઝાડી ઝાંખરાથી ઘેરાયેલા જોવા મળે છે જેને દુરસ્ત કરવામાં ગ્રામ્ય વિસ્તારોમાં પ્રિમોન્સુન કામગીરી પણ એટલી જ વેઠ ઉતારવામાં આવે છે પરિણામે સામાન્ય વરસાદને પગલે પણ લાઈન પર અવારનવાર ફોલ્ટ સર્જાતા રહે છે અને ફોલ્ટના નિરાકરણ માટે અપૂરતા સ્ટાફને કારણે ગામડાઓની અવહેલના કરીને કલાકો નિકળી જાય છે. જેને દુરસ્ત કોણ કરશે એ એક ઉકેલ માંગતો કોયડો બની ગયો છે.