બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌમાં ટકરાયા બાદ હાલ ત્યાંથી 70 કિમી દૂર આગળ ચાલ્યું ગયું છે. વાવાઝોડું હાલ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ હવામાન વિભાગે હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર બિપોરજોય વાવાઝોડાએ ઉત્તર-પૂર્વથી સૌરાષ્ટ્ર-કચ્છ કોસ્ટ ક્રોસ કર્યું છે. વાવાઝોડું જખૌ પોર્ટ નજીક રાત્રે 11થી 11.30 વાગ્યા દરમિયાન લેન્ડફોલ થયું હતું. લેન્ડફોલ સમયે 125થી 140 કિમી પ્રતિકલાકે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાની આંખનું લેન્ડફોલ 10.30 થી 11.30 સુધી થયું હતું. વાવાઝોડાને કારણે હજુ 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડાના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની શક્યતા છે. વાવાઝોડું આવતીકાલે સવાર સુધીમાં ડિપ્રેશન બનીને પૂર્ણ થશે તેવી શક્યતા છે. ગુજરાતના દરિયાકિનારે 3 નંબરનું ભયસૂચક સિગ્નલ યથાવત્ રહેશે. દરિયાકિનારેથી 9 અને 10 નંબરનું સિગ્નલ હટાવાશે.
IMDના ડિરેક્ટર ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે, ચક્રવાત બિપોરજોય ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને પાકિસ્તાનના દરિયાકાંઠાને અડીને આવેલા સૌરાષ્ટ્ર-કચ્છને વટાવી ગયું છે. ચક્રવાત હવે દરિયામાંથી જમીન તરફ આગળ વધ્યું છે અને તેનું કેન્દ્ર સૌરાષ્ટ્ર-કચ્છ તરફ છે. તેમણે કહ્યું કે, 16 જૂનની સાંજે ચક્રવાતી તોફાન ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.