સુરેન્દ્રનગર : 17 ફેબ્રુઆરી
લીંબડી શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે ગટર લાઈન બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 45 દિવસથી ગટર લાઈનનું કામ કાચબાની ગતિથી કામ ચાલી રહ્યું છે. જેના કારણે રાહદારીઓ તથા વેપારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. દુકાનોના પ્રવેશદ્વારમાં જ ગટર ખોદી નાખતાં મંદીના માહોલમાં ધંધામાં માઠી અસર પડી રહી છે.
લીંબડી નગરપાલિકા દ્વારા વર્ષો પહેલા નાની ગટર લાઈનમાંથી મોટી કરવામાં આવી હતી. હવે એજ ગટર લાઈન નાની કરવામાં આવી રહી છે. નગરપાલિકાના સત્તાધીશોના અણઆવડત ભર્યાં વહીવટને કારણે પ્રજાના પૈસાનો વેડફાઈ રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં ગટર ખોદી નાખી છે. ઝાલાવાડી સઈ સુથારની સમાજવાડી પાસે ગટર ખોદી નાખી છે. હાલ લગ્નની સિઝન ચાલુ છે. લગ્ન પ્રસંગે સમાજવાડીમાં અવરજવર કરવામાં સીનિયર સિટીઝન સહિત લોકોને ખુબજ હાલાકી ભોગવવી પડી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં ગટરનું કામ કરવા આડેધડ ખોદકામ કરવાથી ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ છે. વહેલી તકે ગટરનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી લીંબડી શહેરીજનોની માગ કરી રહ્યા છે.