સુરેન્દ્રનગર : 14મી ફેબ્રુઆરી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મોટા ટીંબલા ગામે વન વિભાગ દ્વારા પાંચ વર્ષ પહેલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેને સ્થાનીક દંપતી સંતાનની જેમ ઉછરી રહ્યું હતું. જોકે, કોઇ અસામાજીક તત્વની નજર બગડતાં તેણે 50 જેટલા વૃક્ષોનો ખો કાઢી નાંખ્યો હતો. જેના કારણે પર્યાવરણ પ્રેમીમાં રોષની લાગણી જન્મી હતી અને આવા તત્વ સામે પગલાં ભરવા માગણી કરી હતી.
લીંબડીના મોટા ટીંબલા ગામના સ્મશાનમાં વન વિભાગ દ્વારા 5 વર્ષ પહેલા બસ્સો જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વૃક્ષોનું ગામના જ કોંગ્રેસના અગ્રણી બાબુભાઈ સોલંકી અને તેમના પત્ની વાલીબહેન સંતાનની જેમ છેલ્લા પાંચ વર્ષથી જતન કરતાં આવ્યાં હતાં. જેના પગલે વૃક્ષો હર્યાભર્યા બન્યાં હતાં. જેથી અંતિમવિધિ માટે આવતા ડાઘુઓને છાંયડો મળી રહેતો હતો. પરંતુ કોઇ ઇર્ષાખોર માણસે સ્મશાનમાં ઘુસી આ હર્યાભર્યા વૃક્ષોનું આડેધડ ડાળીઓ કાપી ખો કાઢી નાંખ્યો હતો. આ અંગેની જાણ થતાં બાબુભાઈ સોલંકી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યાં હતાં અને વૃક્ષોની હાલત જોઇ ભારે નિરાશ થયાં હતાં. બીજી તરફ સમગ્ર બાબત વાયુવેગે ગામમાં ફેલાઇ જતાં પર્યાવરણપ્રેમીમાં પણ રોષની લાગણી જન્મી હતી. જોકે, વન વિભાગે મામલાને ગંભીરતાથી લઇ તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
-Trending Gujarat