Home રાજ્ય રાજ્યના અનેક જિલ્લામાં મેઘકહેર ….. સાંબેલાધાર વરસાદથી કેટલાક જિલ્લામાં મુશ્કેલીઓ વધી ….

રાજ્યના અનેક જિલ્લામાં મેઘકહેર ….. સાંબેલાધાર વરસાદથી કેટલાક જિલ્લામાં મુશ્કેલીઓ વધી ….

109
0

રાજ્યમાં આજે મેઘરાજા માઝા મુકી વરસી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં વરસાદ જ વરસાદ. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર જોવા મળ્યું હતું. સવારના બે કલાક દરમિયાન જ રાજ્યના 32 તાલુકામાં વરસાદ નોંધાયો. તો સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. જૂનાગઢના માળિયા હાટીનામાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથના વેરાવળ અને વલસાડના વાપીમાં 3.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે ત્રણ તાલુકામાં સ્થળાંતરની ફરજ પડી છે. ગાંધીનગર કન્ટ્રોલ રૂમથી મળતા અપડેટ અનુસાર, રાજકોટમાં 55, ગીર સોમનાથના તાલાલા શહેરમાં 160 અને ગીર સોમનાથના જ વેરાવળમાં 90 લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાંથી જાલમાલને નુકસાન ન થાય એટલા માટે આ સ્થળાંતર કરાયું છે. કુલ 305 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ બન્યું છે. સ્થિતિને ધ્યાને રાખી NDRFની 6 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે ગીર સોમનાથ, કચ્છ, નવસારીમાં 1-1 ટીમ ડિપ્લોય કરાઈ છે. તો વલસાડ, અમરેલી, રાજકોટમાં 1-1 ટીમ ડિપ્લોય કરાઈ છે. ત્યારે આજની કેબિનેટ બેઠકમાં પણ વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા થશે.  ભારે વરસાદને કારણે કુલ 65 રસ્તાઓ બંધ હાલતમાં છે. તો પંચાયત હસ્તકના 52 રસ્તાઓ બંધ છે. ચાર સ્ટેટ હાઇવે પણ બંધ છે. રાજ્યના ચાર સ્ટેટ હાઇવેમાં રાજકોટ, બે ગીર સોમનાથ અને એક પોરબંદરનો સ્ટેટ હાઇવે બંધ છે. રાજ્યના અન્ય નવ માર્ગો પણ બંધ છે. તેથી ચોમાસામાં બહાર નીકળતા પહેલા સાવધાન.

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. મંગળવારે રાજ્યના 125થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયા બાદ આજે પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને વહેલી સવારથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. જૂનાગઢના માંગરોળમાં સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં પોણા બાર ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો ગીર સોમનાથ જિલ્લામાં અતિ ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઇ છે. જેને લઇને અમરેલીથી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમો રવાના કરાઇ છે.

સુત્રાપાડા અને પ્રાચીમાં અનાધાર વરસાદને કારણે પ્રાચી ખાતે આવેલી સરસ્વતી નદી ગાંડીતૂર બની છે. સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર સુત્રાપાડા તાલુકામાં હવે ભયજનક સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એક પછી એક તમામ ગામો બેટમાં ફેરવાઈ રહ્યા છે. સતત વરસાદ અને નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે ગીર સોમનાથ જિલ્લાનો સુત્રાપાડા અને વેરાવળ તાલુકા જળમગ્ન બન્યા છે. વલસાડ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારે વાપી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેથી વાપીનું જન જીવન અસરગ્રસ્ત બન્યું છે. વાપીમાં રેલવેના અંડર પાસમાં કાર ફસાઇ હતી. જેથી તેમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. તો વાપીની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઇ છે. ગુંજન વિસ્તારમાં આવેલી સોસાયટીઓ તેમજ વાપી શહેરના ચલા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં તેમજ રસ્તા ઉપર પાણી ભરાયા છે.રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદીની આગાહીને પગલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે વડોદરા NDRF બટાલિયન 06ની 6 ટીમને સમગ્ર રાજ્યમાં તૈનાત કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા બુધવારે સુરત, ભરૂચ, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ રહેશે. તા.19 જુલાઈ થી 21 જુલાઈ દરમયાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે. ગુજરાતમાં આ સીઝનમાં નોંધપાત્ર વરસાદ વરસવાના કારણે રાજ્યના 206 જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થવા પામી છે. જેમાં સિંચાઈ વિભાગ દ્વારા 43 જળાશયોને હાઈએલર્ટ પર, 18 જળાશયો એલર્ટ પર અને 19 જળાશયો વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here