રાજકોટમાં લાંબા સમયગાળા બાદ IT વિભાગ દ્વારા વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જ્યાં શહેરના ડઝનથી વધુ સ્થળો પર IT એ મેગા સર્ચ ઓપરેશનની કામગીરી કરી છે. જેને લઇને મસમોટા બિલ્ડરો બાદ સોની વેપારીઓ આવકવેરાની ઝપટમાં આવી ગયા છે. જેમાં જાણીતા રાધિકા જ્વેલર્સ, શિલ્પા જ્વેલર્સનાં ઘર-શોરૂમ પર દરોડા પાડવામાં આવ્યા છે. જેથી અન્ય સોની વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
IT એ જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં તવાઈ બોલાવી છે. વહેલી સવારે સાત વાગ્યે અલગ અલગ ટુકડીઓ રાજકોટના ટોચના જ્વેલર્સ પર ત્રાટકી હતી. રાજકોટમાં બંને જ્વેલર્સના પેલેસ રોડ- સોની બજારમાં આવેલા શોરૂમ અને અક્ષર માર્ગ -અમીન માર્ગ ઉપર આવેલા શોરૂમ ઉપર પણ તપાસ ચાલી રહી છે. રાધિકા જ્વેલર્સના માલિક અને ઉદ્યોગપતિ પ્રભુદાસ પારેખના એટલાન્ટિસ ખાતે b-3 ના પાંચમા માળે આવેલા ફ્લેટ ઉપર પણ તપાસ ચાલુ છે. તેમજ પાંચમા મળે જ રહેતા હિરેન પારેખને ત્યાં પણ IT પહોંચ્યું છે. રાધિકા જ્વેલર્સ વાળા અશોકભાઈ બાબરા વાળા અને હરેશભાઈ બાબરા વાળાને ત્યાં પણ દરોડા પડ્યા છે. એટલાન્ટિસના ફ્લેટની સાથે પંચવટી પાસે આવેલા ફ્લેટમાં પણ એક ઇન્કવાયરી ચાલી રહી છે. રાધિકા જ્વેલર્સના કલકત્તા ખાતે આવેલા જ્વેલર્સમાં પણ તપાસ ચાલી રહી હોવાની બાતમી મળી છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના વર્તાઇ રહી છે.