વેરાવળ : 2 માર્ચ
વાલીઓના મતે ભારતીય વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર પ્રવેશ ન અપાતો હોવાથી પરેશાન
વિદ્યાર્થીઓના મોબાઈલ પણ સ્વિચ ઓફ થઈ જતા વાલીઓમાં ઘેરી ચિંતા પ્રસરી
યુક્રેન-રશીયા વચ્ચે ચાલી રહેલ યુઘ્ઘ વચ્ચે યુક્રેન દેશમાં અભ્યાસ અર્થે ગયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ યુઘ્ઘની વિકટ પરિસ્થિતિમાં ફસાયા છે. ત્યારે ગતરાત્રીના ગીર સોમનાથ જીલ્લાના વેરાવળના બે વિદ્યાર્થીઓ સહી સલામત વતન ઘરે પરત પહોચતા તેમના પરીવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો બીજી તરફ યુક્રેનમાં હજુ પણ વેરાવળ-સોમનાથના આઠ જેટલા વિધાર્થીઓ પોલેન્ડ બોર્ડર પર ફસાયા હોવાથી તેમના વતન પરત ફરવાને લઇ તેઓના વાલીઓ પણ વ્યાકુળ બની જણાવી રહયા છે કે, ભારતીય વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર પર પ્રવેશ અપાતો ન હોવાથી ખુબ જ પરેશાન છે. વિદ્યાર્થીઓ ઓ છેલ્લા 24 કલાકથી ભુખ્યા તરસ્યા છે અને તેઓના મોબાઈલ પણ સ્વિચ ઓફ થઈ ગયા હોવાથી અમારી ચિંતા વઘી રહી છે. ત્યારે ભારત સરકાર આ બાબતે વ્હેલીતકે કાર્યવાહી કરી તેમના બાળકોને પરત વતન લઇ આવે તેવી ગુહાર લગાવી હતી.
યુક્રેન દેશમાં તબીબી અભ્યાસ અર્થે ગયેલા પૈકીના વેરાવળ-સોમનાથના પાર્થ ગીરીશભાઇ સુયાણી અને દિયા મનસુખભાઇ આગીયા નામના બે વિઘાર્થીઓ ગતમોડીરાત્રે સહીસલામત વતન પરત ફરી સર્કીટહાઉસમાં પરીવારજનો સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. બંન્નેના પરીવારજનોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે. આ બંન્ને વિઘાર્થીઓનો સ્વાગત કાર્યક્રમ વેરાવળ સર્કીટ હાઉસમાં યોજાયો હતો. જેમાં સાંસદ રાજેશ ચુડાસમા, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, શહેર ભાજપના દેવાભાઇ ઘારેચા, ભરતભાઇ ચોલેરા, ડો.સંજય પરમાર, ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ કિરીટભાઇ ફોંફડી, તુલસીભાઇ ગોહેલ સહિત ભાજપના પદાધિકારીઓ અને વિદ્યાર્થીઓના પરીવારજનોએ મોઢુ મીઠુ કરાવી સ્વાગત કર્યુ હતુ.
વતન પરત ફરેલા વેરાવળના વિદ્યાર્થી પાર્થ સુયાણીએ એક ખાસ વાતચીતમાં યુક્રેનમાં યુઘ્ઘની વિકટ પરિસ્થિતિનો ચિતાર રજુ કરતા કહેલ કે, યુક્રેનમાં યુઘ્ઘની સ્થિતિ વચ્ચે ભારત દેશના ત્રિરંગાને રશીયા અને યુક્રેન બંન્ને દેશોના સૈનિકો દ્વારા સન્માન મળતુ હોવાથી તનાવની પરિસ્થિતિમાં પણ એક ભારતીય તરીકે ગૌરવની લાગણી અનુભવતો હતો. ભારતીય અને ગુજરાતની ખુમારી રજૂ કરતા જણાવ્યું હતું કે, યુક્રેન પરના હુમલાથી અમો ખુબ દુઃખી છીએ કારણ કે, છેલ્લા ત્રણ વર્ષથી અમો ત્યાં અભ્યાસ કરતા હતા અને યુક્રેનને અમે અમારું બીજું ઘર જ ગણીએ છીએ. ભલે મોતના મુખમાંથી પરત ફર્યા છે પરંતુ સ્થિતિ સામાન્ય બનશે ત્યારે ફરી અભ્યાસ અર્થે હજુ પણ અમો યુક્રેન જરૂર જશુ.
હજુ પણ યુક્રેનમાં વેરાવળ-સોમનાથના આઠ જેટલા વિધાર્થીઓ બોર્ડર પર ફસાયા હોવાથી તેમના વાલીઓ પણ સર્કીટ હાઉસ ખાતે પહોંચી ત્યાંથી આવેલ બંન્ને વિઘાર્થીઓને મળી પોતાના વ્હાલસોયા બાળકોની પૃચ્છા કરી હતી. આ વાલીઓમાં પ્રદીપભાઇ પંડયા અને અમૃતલાલ ચુડાસમાના જણાવ્યા મુજબ ભારતીય વિદ્યાર્થીઓ બસ્સો કીમીનું અંતર કાપી ભયના માહોલ વચ્ચે પોલેન્ડ બોર્ડર પર પહોચ્યા છે પરંતુ તેઓને બોર્ડર પર પ્રવેશ અપાઇ રહયો ન હોવાથી મુશ્કેલીમાં છે. વિદ્યાર્થીઓ બોર્ડર પર છેલ્લા 24 કલાકથી માઇન્સ ડીગ્રી તાપમાનમાં ભુખ્યા તરસ્યા ઉભા છે. ત્યાં નેટવર્કની સમસ્યા હોવાથી વિદ્યાર્થીઓના મોબાઈલ પણ સ્વિચ ઓફ થઈ ગયા હોવાથી અમો ચિંતામાં છે. જેથી આ વિઘાર્થીઓ સલામત રીતે વ્હેલાસર ભારતમાં પરત ફરે તે માટે પ્રઘાનમંત્રી મોદીની સરકાર યુઘ્ઘના ઘોરણે કાર્યવાહી કરે તેવી વિનંતી છે.