Home ક્ચ્છ માહિતી કર્મયોગીઓનો ‘લેખન કૌશલ્ય’ વિષયક એક દિવસીય પરિસંવાદ સંપન્ન

માહિતી કર્મયોગીઓનો ‘લેખન કૌશલ્ય’ વિષયક એક દિવસીય પરિસંવાદ સંપન્ન

81
0
કચ્છ : 17 ફેબ્રુઆરી

સરકારની વાત જનતા સુધી પહોંચાડવાનું મહત્વનું કાર્ય માહિતી ખાતુ કરી રહ્યુ છે ત્યારે તેમની કામગીરીને સમય સાથે કદમ મિલાવી વધુ અસરકારક બનાવવાના પ્રયાસો અત્યંત જરૂરી છે. સમયાંતરે વૈચારિક મનોમંથન અને પ્રત્યાયનના નવતર પરિમાણોની સમજ કેળવી પ્રચાર પ્રસારને વધુ પરિણામલક્ષી બનાવી શકાય છે. આ શ્રૃંખલાના ભાગરૂપે ગુજરાત પ્રેસ અકાદમીના ઉપક્રમે આજે માહિતી ખાતાના કર્મયોગીઓ માટે લેખન કૌશલ્ય વિષયક એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં માહિતી નિયામક શ્રી ડી.પી.દેસાઈ, અધિક માહિતી નિયામક શ્રી અરવિંદભાઈ પટેલ તથા પ્રેસ અકાદમીના સચિવ શ્રી પુલકભાઈ ત્રિવેદીએ માહિતી પરિવારના કર્મયોગીઓને મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્ય સરકારની વિવિધ જનહિતલક્ષી કલ્યાણકારી યોજના અંગે નાગરિકોને સુપેરે માહિતગાર કરવા, લાભાર્થી સુધી યોજનાનો લાભ લેવા માટેની માહિતી પહોંચાડવા અને લાભાર્થીના પ્રતિભાવ મેળવી સરકાર સુધી પહોંચાડવાની મહત્વપુર્ણ કામગીરી ઉપર પરિસંવાદમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. માહિતી ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓને શ્રી દેસાઈએ જણાવ્યુ હતુ કે, નાગરિકો સુધી પહોંચવા માટે પ્રચાર પ્રસારના માધ્યમોમાં ૩૬૦ ડીગ્રીએ પરિવર્તનો આવ્યાં ત્યારે નાગરિકોની રુચિ જળવાય અને તેમના સુધી સમયસર વિશ્વસનીય રીતે માહિતી પહોંચાડવી તે એક અત્યંત મહત્વપુર્ણ કાર્ય છે. આજના સમયમાં સોશિયલ મીડિયાના કારણે માહિતીનું આદાનપ્રદાન ઝડપથી થાય છે ત્યારે માહિતી અધિકારીઓની ભુમિકા વધુ મહત્ત્વપૂર્ણ બની ગઇ છે.
શ્રી દેસાઈએ જણાવ્યુ હતુ કે, સમયની સાથે પરિવર્તન જરૂરી છે. આજના સ્પર્ધાત્મક યુગમાં માહિતી ખાતાના સમાચાર અર્થસભર અને માહિતીપ્રદ બને તે તે દિશામાં પ્રત્યેક માહિતી અધિકારીએ જાગૃત પ્રયાસો કરવાના રહે છે. તેમણે તમામ કર્મયોગીઓએ ટેક્નોલોજી અને સમય સાથે તાલ મિલાવીને સમાચાર-માહિતીનું મુલ્યવર્ધન કરતુ રહેવુ જોઈએ એમ જણાવ્યું હતું.
અધિક માહિતી નિયામક શ્રી અરવિંદભાઈ પટેલે ઉપસ્થિત કર્મયોગીઓને લેખન ક્ષેત્રે સફળતાનો મંત્ર સમજાવતા જણાવ્યુ હતુ કે, સતત જનસંપર્ક, વિચારમંથન અને માહિતીનો સંગ્રહ કાર્યને વધુ બળ આપશે. વિવિધ સરકારી વિભાગોની સાફલ્યગાથા અને ફોટો બેંક બનાવવા ઉપસ્થિત કર્મયોગીઓને તેમણે સુચન કર્યુ હતુ.


ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ શ્રી પુલકભાઈ ત્રિવેદીએ ઓડિયો વિઝ્યુઅલ મીડિયા અને સોશિયલ મીડિયા જેવા ઝડપથી વિકાસ પામી રહેલા માધ્યમ વચ્ચે પણ પ્રિંટ મીડિયાના મહત્વ વિશે ઉપયુક્ત ઉદાહરણો સાથે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે પ્રિન્ટ મીડિયા માટે કેવી રીતે સમાચાર, લેખ અને સાફલ્યગાથા તૈયાર કરવી તે અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યુ હતુ. આ ઉપરાંત શ્રી ત્રિવેદીએ માહિતી ખાતાના કર્મયોગીઓને વિવિધ વિષય સબંધિત થોટ બેંક તૈયાર કરવા અને તેની ઉપયોગીતા અંગે સમજ આપી હતી.
આ એક દિવસીય વર્કશોપમાં નાયબ માહિતી નિયામક શ્રી મિનેશભાઈ ત્રિવેદી, નાયબ માહિતી નિયામક શ્રી જગદીશભાઈ આચાર્ચ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here