પાટણ : 28 ફેબ્રુઆરી
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાંથી નેશનલ હાઈવે ઑથોરીટી ઑફ ઈન્ડિયા દ્વારા જમીન સંપાદન કરીને ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ધોરીમાર્ગો બનાવવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે. સાંતલપુર તાલુકાના કેટલાક ગામોમાંથી આ ધોરીમાર્ગો પસાર થઈ રહ્યા છે. જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ મામલતદાર કચેરી ખાતે નેશનલ હાઈવે ઑથોરીટી ઑફ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ તથા જિલ્લાના અધિકારીઓ સાથે નવીન બની રહેલ માર્ગો બાબતે વિસ્તૃત બેઠક કરી હતી.
જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ નેશનલ હાઈવે ઑથોરીટી ઑફ ઈન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર કે.પી.એસ.ચૌહાણ તથા ધોરીમાર્ગો બનાવવાનું કામ કરતી એજન્સીઓના અધિકારીઓ સાથે સાંતલપુર તાલુકામાંથી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પસાર થઈ રહેલ હાઈવે અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ કલેક્ટરે તમામ અધિકારીઓ સાથે બાવરડા ગામે જ્યાં ધોરીમાર્ગ બનાવવાનું કામ ચાલુ છે એ સ્થળની રૂબરૂ મુલાકાત કરી પરિસ્થિતિનું જાતે નિરીક્ષણ કર્યું હતું. ત્યાં તેઓએ આસપાસના ખેતરના ખેડૂતો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો પણ સાંભળી હતી.