પાટણ : 24 ફેબ્રુઆરી
રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી પર સહાય વિતરણનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો છે ત્યારે પાટણ જિલ્લા પંચાયત અને ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લાના ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી માટે સહાયના પૂર્વ મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું .
જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાના હસ્તે પાટણ જિલ્લાના ખેડૂતોને જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલની ઉપસ્થિતિમા પ્રતિકરૂપે સ્માર્ટ ફોનની ખરીદી માટે સહાયના હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું.આઈ – ખેડૂત પોર્ટલ પર અરજી કરનાર ૯૯૪ ખેડૂતો પૈકી ૭૦૪ અરજીઓને પૂર્વ મંજૂરી આપવામાં આવી છે . જ્યારે ૧૨૨ ખેડૂતોને કુલ રૂ .૦૭ લાખની સ્માર્ટફોન ખરીદી માટેની સહાય ચૂકવવામાં આવી છે.
ખેડૂતોના હિતની ચિંતા કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિવિધ કૃષિલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ત્યારે સમય સાથે કદમ મિલાવી ડિઝીટલ ટેક્નોલોજીના ઉપયોગથી કૃષિ વિષયક માહિતી , નવી કૃષિ ટેક્નોલોજી હવામાનની માહિતી , વિવિધ કૃષિલક્ષી સહાય અને લોન સહિતની વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ બને તે માટે રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી રહી છે .