અરબ સાગરમાં સર્જાયેલા વિનાશક વાવાઝોડું બિપરજોય 15 જૂનની સાંજે ઉત્તર ગુજરાતના કાંઠા પર ત્રાટક્યું અને વહે તે ઉત્તર પશ્ચિમ ગુજરાત અને પાકિસ્તાનના દક્ષિણ સિંધની આજુબાજુના ભાગ તરફ આગળ વધ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હવે તે દક્ષિણ રાજસ્થાનની ઉપર ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધશે. જોકે તેની અસર 18 જૂનની સવાર સુધી ગુજરાત તટ પર મહેસૂસ કરાશે. તેના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના તટ પર પવનની ગતિ 25થી 30 કિમીની રહેશે. 18 જૂનની સવારથી પવનની લહેરોની ઊંચાઈ પણ ઓછી થવા લાગશે.
ચક્રવાત બિપરજોય વાવાઝોડું ડીપ ડીપ્રેશનમાં ફેરવાતા ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યા છે. રાત્રે 11.30 વાગ્યે વાવાઝોડું ડીપ ડીપ્રેશનમાં ફેરવાયું. જો કે આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે 10 કલાકે હવાઈ નિરીક્ષણ કરશે. વાવાઝોડા બાદ સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે ગુજરાતના 9 જિલ્લામાં વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે તો આ તરફ સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 181 તાલુકામાં વરસાદ પડ્યો છે.. સૌથી વધુ કચ્છના માંડવીમાં સાડા આઠ ઈંચ અને અંજારમાં 8 ઈંચ વરસાદ વરસ્યો.
બિપરજોય વાવાઝોડાના કારણે 2 દિવસ બંધ રાખવામાં આવેલ દ્વારકાધીશ અને સોમનાથ મહાદેવ મંદિરનાં આજથી દર્શનાર્થીઓ માટે દ્વાર ખુલ્યા છે. ત્યારે પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ ચક્રવાત બિપરજોય 16 જૂનના રોજ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં પહોંચી ચૂક્યું છે. તેના કારણે આજે ગુજરાતના કચ્છ ક્ષેત્ર, પાકિસ્તાનના દક્ષિણ-પૂર્વ સિંધની સાથે સાથે દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ રાજસ્થાનના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. રાજસ્થાનના અનેક ભાગોમાં 17 અને 18 જૂનના રોજ હળવાથી લઈને ભારે વરસાદ પડશે.