ખેડા જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર સરકારી શાળાના શિક્ષકો દ્વારા ખાનગી ટ્યુશન ચલાવવામાં આવતા હોય છે. વાત કરીએ તો કપડવંજમાં એક સોસાયટીમાં પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ટયુશન ક્લાસ ચલાવતા હોવાનું ઘ્યાને આવતા બંને શિક્ષકોને શિક્ષણ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શિક્ષણાધિકારીના આ પગલાંને કારણે અન્ય શિક્ષકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.
કપડવંજ શહેરમાં આવેલી ગંગાનગર સોસાયટીના એક મકાનમાં પ્રાથમિક શિક્ષકો દ્વારા ખાનગી ટયુશન ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યાની માહિતી મળતાં શિક્ષણ અધિકારી દ્વારા બંને શિક્ષકો સામે પગલાં ભરવામાં આવ્યા છે. આ ટયુશન ક્લાસમાં આશરે 150 જેટલા વિદ્યાર્થીઓને કપડવંજ તાલુકાની વડાલી પ્રાથમિક શાળાના શિક્ષક બીપીન પ્રજાપતિ અને મીરાપુર પ્રાથમિક શાળાના શિક્ષક દીપક પટેલને શિક્ષણ અધિકારી દ્વારા તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.
સરકાર પગાર ચૂકવે છે છતાં સરકારી શિક્ષકો યોગ્ય શિક્ષણ આપતાં નથી. ત્યાં બીજી તરફ ટયુશન ક્લાસનો ધિકતો ધંધો ચલાવવામાં આવે છે. ખેડા જિલ્લામાં સરકારી શાળાઓમાં આવા શિક્ષકોને કારણે જ શિક્ષણનું સ્તર નીચું જઈ રહ્યું છે. સરકારનો પગાર લઈને શાળામાં ગંભીરતાપૂર્વક પોતાની ફરજ નિભાવવાની જગ્યાએ આ શિક્ષકો ખાનગી ટયુશન ચલાવીને ખિસ્સા ભરતા હોય છે. જોકે શિક્ષણ અધિકારીના નિર્ણય બાદ હવે ટયુશન ક્લાસ ચલાવતા અન્ય શિક્ષકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારી લીલાવતીબેન સુવેરાએ જણાવ્યું હતું કે, સંપૂર્ણ બાબતથી તેઓ અજાણ છે, પરંતુ આ બાબતની ચોક્કસથી તપાસ કરવામાં આવશે અને જો હકીકત સાચી હશે તો કાયદાની દ્રષ્ટિએ કડક પગલાં આ શિક્ષકો સામે લેવામાં આવશે. આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બંને શિક્ષકોને સસ્પેન્ડ કરાયા હોવાની વાતને પુષ્ટિ આપવામાં આવી હતી.