કાલોલ: 18 નવેમ્બર
કાલોલ શહેર પાલીકા વિસ્તારના વૉર્ડ નં ૧માં આવેલા કોલેજ વિસ્તારમાં પાછલા ઘણા સમયથી કોલેજ રોડ ડામર રોડ બનાવવાનો બાકી હોય સ્થાનિકોને ભારે પરેશાની ભોગવવી રહ્યા હતાં. જોકે કોલેજ રોડની કામગીરી અને જુની ગટર અંગે પાલિકા અને સ્થાનિક એક અગ્રણી કાઉન્સિલર વચ્ચે વાદવિવાદની ચકમક ઝરતા ઘણા સમયથી રોડની નવીનીકરણની કામગીરી ઠેલાઈ રહી હતી. જે મધ્યે આગામી વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કાલોલ કોલેજમાં કન્ટ્રોલ સેન્ટર, સંચાલન અને સ્ટ્રોંગરૂમ સહિતનું મુખ્ય કેન્દ્ર હોવાથી ચુંટણીતંત્ર દ્વારા સત્વરે આ રોડની કામગીરી કરવાનો પાલિકાને નિર્દેશ કરતા પાલિકા પ્રમુખ તથા તેમની ટીમ દ્વારા સત્વરે કામગીરી હાથ ધરી તાંત્રિક વિધી પૂર્ણ કરીને સોમવારથી રોડ બનાવવાની કામગીરી હાથ ધરતાં કોલેજ વિસ્તારમાં રહેતા લોકોને રાહત આપે તેવી આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. જોકે નવો રોડ બનવાની કામગીરી સાથે કોલેજ રોડની આજુબાજુ આવેલી જુની વરસાદી પાણીની ગટર પણ પુરી દેવા બાબતે સ્થાનિકોએ લેખિતમાં રજુઆત કરી છે ત્યારે જુની ગટર લાઇન પુરીને સંપૂર્ણ કામગીરી કરવામાં આવશે તેવું પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું.