Home કાલોલ કાલોલના ગાયત્રી મંદિર પાસેનો બગીચો અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો

કાલોલના ગાયત્રી મંદિર પાસેનો બગીચો અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો

પ્રજાના સુખાકારી માટે લાખો રૂપિયાના ખર્ચે કરાયેલા બ્યુટીફિકેશન એળે ગયું

150
0

પંચમહાલ : પંચમહાલના કાલોલ ગામ સ્થિત ગાયત્રી મંદિર પાસેના તળાવનું લાખો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું. જોકે, આ બ્યુટિફિકેશનની રખરખાવટમાં પાલિકા નિષ્ફળ ગઇ છે. આ બગીચો અસામાજીક તત્વોનો અડ્ડો બન્યો છે અને રાત પડતાં નશાબાજો રાજાપાઠમાં આવીને તોડફોડ કરી રહ્યાં છે. જેના કારણે પ્રજાના પરસેવાની કમાણીમાંથી ભરેલા ટેક્સની રકમમાંથી બનેલો બગીચો ઉજ્જડ બની રહ્યો છે.

કાલોલ ગામમાં તળાવનું બ્યુટિફિકેશન કરતાં સમયે પ્રજાને સુખાકારીની મોટી મોટી વાતો કરવામાં આવી હતી. પ્રજાને મનોરંજન માટે સારો બગીચો મળી રહેશે. તેવો પાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ કરોડોના ખર્ચે કરાયેલા બ્યુટિફિકેશન વાળા બગીચા પર છેલ્લા કેટલાક સમયથી અસામાજીક તત્વોએ કબજો જમાવી આતંક મચાવી દીધો છે.  આ બગીચામાં પાલિકાની બેદરકારીના કારણે રાત્રીના સુમારે દેશી દારૂની મહેફિલ માણતા દારૂડિયાઓ દારૂ ઢીંચીને પોટલીઓ બાગમાં ફેંકીને જતા રહે છે. જેના પરિણામે બગીચામાં ઠેર ઠેર દારૂની પોટલીઓ જોવા મળે છે. જેથી ગંદકીના થર જામે છે. આ ઉપરાંત બાગમાં પ્રજાની સુવિધાઓ માટે જે બાંકડા મુકવામાં આવ્યા છે, તે તમામ બાંકડાઓ પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નગરના આ મુખ્ય બગીચાની એક બાજુએ ગાયત્રી માતાજીનું મંદિર આવેલું છે અને બીજી બાજુએ દેશી દારૂનો અડ્ડો પણ આવેલો છે. જેથી રોજ સાંજે બગીચાની બાજુમાં આવેલા દેશી દારૂના અડ્ડા પરથી દેશી દારૂની પોટલી ખરીદીને બાગમાં અડ્ડો જમાવી દેતા હોવાથી સાંજે મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ, શાંતિ માટે બાગમાં બેસવા આવતા વડીલો અને આજુબાજુના રમવા માટે આવતા બાળકો પણ બંધ થઇ ગયા છે. એક સમયે નગરનો બગીચામાં સુંદર ફુલછોડ સહિત હરિયાળી લોન અને પાણીના ફુવારા સાથે સહેલાણીઓનું મન પ્રફુલ્લિત બની જતું હતુ. એટલો સુંદર હતો. પરંતુ હાલમાં બગીચાની હાલત એટલી કફોડી બની ગઈ છે કે પાણીનો ફુવારો પણ ભંગાર બની ગયો છે, બગીચાની લોન સુષ્ક બનેલી છે, બાંકડાઓ તુટેલી હાલતમાં પડ્યા છે, સાફ-સફાઈની કોઈ દરકાર રાખવામાં આવતી નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જેથી નગરના બ્યુટીફિકેશન સાથે બગીચાનું બ્યુટીફિકેશન જાળવી રાખવામાં આવે તેવી નગરજનોની લોકમાંગ ઉઠવા પામી છે.

શાળા અને મંદિર પાસે જ દારૂનો અડ્ડો હોવા છતાં પોલીસ મુકપ્રેક્ષક બની છે

કાલોલ બગીચાની એક બાજુમાં ગાયત્રી મંદિર આવેલું છે, બગીચાની સામે એમજીએસ હાઈસ્કૂલ આવેલી છે તેમ છતાં બગીચાની બાજુમાં આવેલો દેશી દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે. જેને કારણે દારૂ પીનારા દારૂડિયાઓ બગીચામાં બેસીને દારૂ પીતા હોય છે, ઠેર ઠેર દારૂની પોટલીઓ પડી હોય છે. જેથી બગીચામાં દુર્ગંધ અને ગંદકીનો ઉપદ્રવ વધી ગયો છે. જેથી કાલોલ પોલીસ સ્ટેશનના નાક નીચે બગીચાની આસપાસ આવેલી દેશી દારૂની ભઠ્ઠીઓ અને દારૂની પોટલીઓનું વેચાણ બંધ કરવામાં આવે તેવી નગરજનોની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here