Home ટૉપ ન્યૂઝ કારોલ ગામે 80 હજાર લીટર પાણી સંગ્રહની ક્ષમતા ધરાવતી ટાંકી મંજૂર

કારોલ ગામે 80 હજાર લીટર પાણી સંગ્રહની ક્ષમતા ધરાવતી ટાંકી મંજૂર

143
0
સુરેન્દ્રનગર : 11 ફેબ્રુઆરી

ચુડા તાલુકાના કારોલ ગામના 2700 લોકોને પાણી પુરું પાડતી ટાંકી 3 વર્ષથી જર્જરીત હાલત છે. ટાંકીમાં ઠેક-ઠેકાણે પોપડા ઉખડી ગયા છે. ટાંકી બનાવવામાં વપરાયેલા લોખંડના સળીયા નજરે પડી રહ્યા છે. ટાંકી એટલી નાજુક હાલતમાં છે કે ગમે ત્યારે પડી અકસ્માત સર્જી શકે છે. ટાંકીની બાજુમાં પ્રાથમિક શાળા આવેલી છે. ગ્રામજનોને જર્જરીત ટાંકી ગમે ત્યારે તૂટી પડવાનો ડર સતત સતાવી રહ્યો છે.

કારોલ ગામના પૂર્વ સરપંચ મહાવીરસિંહ ઝાલાએ જર્જરીત ટાંકી ઉતારી લઈ એક લાખ લીટર પાણીની કેપેસિટી ધરાવતી નવી ટાંકી મંજૂર કરવા 4 વર્ષથી ચુડા તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, વાસ્મો વિભાગ સહિત ઉચ્ચ સ્તરીય રજૂઆત કરી ચૂક્યા છે. 4 વર્ષ પહેલા બાંધકામ શાખાના અધિક મદદનીશ ઈજનેર પણ કારોલ ગામે આવી જર્જરીત ટાંકી જોઈ ગયા હતા. મુલાકાત બાદ તેમને સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે ટાંકી જર્જરીત છે અને ગામમાં પુરતુ પાણી પંહોચાડવા સક્ષમ નથી. અધિકારીના અભિપ્રાયને ચાર વર્ષના વાણાં વીતી ગયા છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ નહીં ધરાતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

પૂર્વ સરપંચની 4 વર્ષની મહેનત ફળી રહી હોય તેવું લાગી રહ્યું છે. સરકાર દ્વારા કારોલ ગામે 80 હજાર લીટર પાણી સંગ્રહની ક્ષમતા ધરાવતી ટાંકી મંજૂર કરવામાં આવી છે. પાણીની ટાંકીની અંદાજિત ઉંચાઈ 12 મીટરથી વધુ અને 18 લાખથી વધુના ખર્ચે પાણીની ટાંકી તૈયાર કરવામાં આવશે તેવી પ્રાથમિક વિગત મળી રહી છે. પાણીની ટાંકી મંજૂર થતાં કારોલના ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here