સુરેન્દ્રનગર : 23 ફેબ્રુઆરી
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર છ-માર્ગીય રસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે જે ગામોના હાઈવે ઉપર પ્રવેશદ્વાર છે ત્યાંના ગ્રામજનોની સુરક્ષા, સવલત અને સલામતીને ધ્યાનમાં રાખી ગામોની સામે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યાં છે. પરંતુ રાજકોટ-અમદાવાદ હાઈવે પર સામસામે આવેલા લીંબડી તાલુકાના ઉઘલ અને વઢવાણના બલદાણા ગામના પ્રવેશદ્વાર સામે ઓવર બ્રિજ નહીં બનતાં બન્ને ગામના લોકોની સલામતી સામે પ્રશ્નાર્થો સર્જાયા છે.
3 હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતા બલદાણા અને 2 હજારથી વધુની વસ્તી ધરાવતા ઉઘલ ગામના પ્રવેશદ્વાર પર ઓવરબ્રીજનું કામ હાથ નહીં ધરાતા અનેક તર્કવિતર્કો સાથે નવી ચર્ચાઓએ વેગ પકડી લીધો છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પરના બલદાણા ગામથી ગોમટા, ખારવા અને વઢવાણના લોકો અવરજવર કરે છે. તેમ જ ઉઘલ ગામના પ્રવેશદ્વારથી બોરણા અને ચુડા તાલુકાના લોકોનું આવાગમન છે. તે છતાં આ બંને ગામોના પ્રવેશદ્વાર સામે ઓવરબ્રિજનું કામ શરૂ નહીં કરતાં ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ઓવરબ્રિજ નહીં બનવાથી અકસ્માતનો ખતરો વધી જવાનો લોકોને ભય સતાવી રહ્યો છે. સાથે જ બલદાણા ગામની 60% જેટલી ખેતીની જમીન રોડની સામે ઉઘલ ગામની સીમમાં છે. અમદાવાદ-રાજકોટ ને.હાઈવે જેવા દુર્ઘટના માટે પંકાયેલા રોડને ક્રોસ કરી ખેતી કામે કે પશુધનને ચરાવવા લઈ જવામાં અકસ્માતનું મોટું જોખમ રહેલું છે. બલદાણાના ગ્રામજનોએ રાજકોટ અને ગાંધીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગની કચેરીઓમાં રજૂઆત કરી બલદાણા અને ઉઘલ ગામના પ્રવેશદ્વાર પર ઓવરબ્રીજ બનાવવા માગ કરી છે.