અમદાવાદમાં શનિવારની મોડી સાંજે 6 વાગ્યે તો મેઘરાજા ફક્ત અમદાવાદને ટાર્ગેટ બનાવ્યો હોય તેમ બે થી ત્રણ કલાકમાં તો 4 થી 7 ઇંચ જેટલો વરસાદ ખાકબ્યો હતો. ધોધમાર વરસાદને કારણે અનેક લોકો ફસાયા હતા તો શહેરના મોટાં ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. વરસાદને પગલે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે છેલ્લા 24 કલાકમાં શહેરમાં વરસાદી પાણી ભરાયાની AMCના કંટ્રોલરૂમમાં માત્ર 62 જેટલી ફરિયાદો મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમજ AMC વરસાદ પડ્યાના 24 કલાક બાદ પણ વરસાદી પાણીના નિકાલનું કંઇ કરી શક્યું નથી.
AMC ના મોન્સૂન કંટ્રોલ રૂમની માહિતી મુજબ 22 જુલાઈ સાંજે 4 વાગ્યાથી 23 જુલાઈ સાંજે 4 વાગ્યા સુધી દરેક ઝોનમાં મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે વરસાદી પાણીની કુલ 62 જેટલી ફરિયાદો મળી છે. જેમાંથી 43 જગ્યાએથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી 19 જેટલી જગ્યાએથી પાણીનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે. આમ વરસાદી પાણીના નિકાલ 24 કલાક બાદ પણ ન થયા હોવાનો મોનસુન કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે. સૌથી વધુ વરસાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બોડકદેવ, થલતેજ, બોપલ, આંબલી , SG હાઇવે, વસ્ત્રાપુર, પાલડી, વાસણા, સિંધુભવન રોડ સહિતના વિસ્તારોમાં પડ્યો હતો. પશ્ચિમ વિસ્તારમાંથી માત્ર 38 ફરિયાદો જ મોનસુન કંટ્રોલરૂમમાં મળી છે.
શહેરના મધ્ય ઝોનમાંથી 2, પૂર્વ ઝોનમાંથી 7, ઉત્તર ઝોનમાંથી 6, અને દક્ષિણ ઝોનમાંથી 9 ફરિયાદો મળી હતી. મોન્સૂન કંટ્રોલરૂમના નંબર અને AMCના વોટ્સએપ નંબર ઉપર મળી આ તમામ ફરિયાદો નોંધાઈ છે. શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે કુલ સાત જેટલા અંડરબ્રિજ બંધ કરવા પડ્યા હતા. અખબારનગર અંડરબ્રિજ 12 કલાક, ઉસ્માનપુરા અંડરબ્રિજ 8 કલાક, કુબેરનગર અંડરબ્રિજ 7 કલાક અને છ કલાક જેટલો બંધ કરવો પડ્યો હતો. તમામ અંડરબ્રિજમાંથી પાણી અને માટીનો નિકાલ કરી સાફ-સફાઈ કર્યા બાદ જ તેને ચાલુ કરવામાં આવ્યા હતા. આજે રવિવારે સાંજે 4 વાગ્યા સુધી સાબરમતી નદીનું લેવલ 128 ફૂટ રાખવામાં આવ્યું છે. રવિવારે શહેરના માત્ર પશ્ચિમ વિસ્તારમાં જ વરસાદ પડ્યો હતો. બોડકદેવ, એસજી હાઇવે, જોધપુર, સેટેલાઈટ, શિવરંજની, શ્યામલ ચાર રસ્તા, વસ્ત્રાપુર, માનસી ચાર રસ્તા, મકરબા, મકતમપુરા, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. પશ્ચિમ વિસ્તારના બોડકદેવ, મકતમપુરા અને જોધપુર વોર્ડમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.