Home અંબાજી અંબાજી ખાતે તા. ૮ થી ૧૦ એપ્રિલ દરમ્યાન શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવ...

અંબાજી ખાતે તા. ૮ થી ૧૦ એપ્રિલ દરમ્યાન શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવ યોજાશેઃ

154
0
અંબાજી :  25 માર્ચ

અંબાજી ગબ્બર ખાતે યોજાનાર શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવના આયોજન અંગે પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.
વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા. ૮, ૯ અને ૧૦ એપ્રિલના રોજ શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવ યોજાશે. અંબાજી ગબ્બર તળેટી ખાતે યોજાનાર શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવના આયોજન અંગે પાલનપુર કલેકટર કચેરી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, યાત્રાધામ અંબાજી ખાતે દેશ અને વિદેશમાં અલગ અલગ જગ્યાએ આવેલા માતાજીના ૫૧ શક્તિપીઠોના નિર્માણનું કામ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવ્યું હતું. દેશ અને વિદેશોમાં શ્રીલંકા, બાંગલાદેશ, નેપાળ, પાકિસ્તાન વગેરે દેશોમાં આવેલા માતાજીના શક્તિપીઠો પ્રમાણે આબેહુબ ૫૧ શક્તિપીઠોનું નિર્માણ અંબાજીમાં કરવામાં આવેલું છે. મનુષ્યશના એક જ જન્મમાં દેશ અને વિદેશોમાં આવેલા આ શક્તિપીઠોમાં જઇ માતાજીના દર્શન કરવા એ દરેક મનુષ્ય માટે સંભવ નથી, તેથી મૂળ સ્થાનક જેવા જ ૫૧ શક્તિપીઠોનું અંબાજી ગબ્બર ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે. કલેકટરશ્રીએ જણાવ્યું કે, જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે આવેલ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું આયોજન રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શનથી શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેનાથી અંબાજી દર્શને આવતા કરોડો માઈભક્તોને એક જ જન્મમાં ૫૧ શક્તિપીઠના દર્શનનો લ્હાવો મળશે. તેમણે કહ્યું કે, સવારે-૬.૦૦ થી સાંજે-૭૦.૦૦ વાગ્યા સુધી યોજાનાર શ્રી પરિક્રમાની વ્યવસ્થા જાળવવા માટે ભાદરવી પૂનમના મેળાની જેમ અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે.


શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવની વ્યવસ્થા માટે ૧૪ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં આરોગ્ય સમિતિ, ઇમરજન્સી સારવાર સમિતિ, ઇમરજન્સી રીસ્પોન્સ, સ્વચ્છતા સમિતિ, રસ્તા મરામત સમિતિ, પાણી પુરવઠા સમિતિ, વિદ્યુત પ્રવાહ સમિતિ,b અંબાજી તથા ગબ્બર તરફના પ્રવેશ માર્ગ પરના નિયંત્રણ અને પાર્કિગ સમિતિ, ગબ્બર ટોચ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગ ઉપર સંચાલન સમિતિ, રખડતાં ઢોરોનું નિયંત્રણ, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ, વી.આઇ.પી. પ્રોટોકોલ અને લાયઝન સમિતિ, વિભિન્ન સંસ્થાઓનું સંકલન, મહા આરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શો નું સંકલન સમિતિનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી આર. કે. પટેલ, પ્રાયોજના વહીવટદારશ્રી એમ.બી.ઠાકોર સહિત વિવિધ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


અહેવાલ : અલકેશસિંહ ગઢવી, અંબાજી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here