અંબાજી : 31 માર્ચ
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી એપ્રિલ માસ ની તા.૮ ,૯,૧૦ સુધી ત્રણ દિવસ નો ગબ્બર એકાવન શકિતપીઠ નો પરિક્રમા મહોત્સવ યોજાનાર છે જેની અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે જે અંતિમ તબક્કા માં છે. ત્યારે તા.૨ એપ્રિલ થી ચૈત્રી નવરાત્રી પણ શરૂ થનાર છે જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્ય માંથી માઈ ભક્તો મોટા પ્રમાણ માં દર્શન અર્થે અંબાજી આવતા હોય છે ત્યારે ચૈત્રી નવરાત્રી ના સાતમા દિવસે તા.૮ થી ગબ્બર એકાવન શકિતપીઠ પરિક્રમા મહોત્સવ ની શરૂઆત થશે જે નવમી સુધી એટલે તા.૧૦ એપ્રિલ સુધી ચાલશે .જેમાં સમગ્ર ગુજરાત માંથી ભાદરવી પૂનમ સંઘ, આનંદ ગરબા મંડળ,અને માઈ ભક્તો સહિત ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત અન્ય મંત્રીઓ ,નેતાઓ અને અધિકારીઓ હાજરી આપશે.
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બર પરિક્રમા મહોત્સવ અંગે મોટા પાયે તૈયારીઓ કરાઈ છે તેમજ ભાદરવી પુનમ ના મેળા વખતે કરાતી તૈયારીઓ ની જેમ જ અલગ – અલગ વિભાગ ની કામગીરીઓ માટે ૧૪ જેટલી વ્યવસ્થા સમિતિઓ ની રચના પણ કરવામાં આવી છે કે જેથી મહોત્સવ દરમિયાન માઈ ભક્તો ને કોઈ અગવડતા ના પડે અને સરળતાપૂર્વક વ્યવસ્થા કામગીરી જળવાઈ રહે. શ્રી આરાસુરી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બર પરિક્રમા મહોત્સવ માં જોડાઈ પર્વતરાજ ગબ્બર અને ૫૧ શકિતપીઠ ની પરિક્રમા નો અનેરો લહાવો લેવા અપીલ કરવામાં આવી છે.