આ વર્ષે અષાઢી બીજના નિમિત્તે યોજાયેલ ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ તંત્ર દ્વારા એક મહિના અગાઉ જ તૈયાર કરી દેવામાં આવી હતી. તેમ છતાં પણ રથયાત્રામાં સુરક્ષા અને બીજી એવી ઘણી બાબતોમાં ખામી રહી ગઇ હતી. જેને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા શહેરના તમામ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં અમદાવાદ પોલીસ કમિશનરની જગ્યા છેલ્લા 52 દિવસથી ખાલી હોવાથી રથયાત્રામાં નાની – મોટી ખામી રહી હોવાનું ફલિત થયું હતું.
આ બેઠકમાં અમદાવાદ પોલીસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ રથયાત્રાની સુરક્ષા અને પોલીસ અધિકારીઓની કેટલીક ખામીઓના મુદ્દે ગૃહ મંત્રીએ તમામ પોલીસ અધિકારીઓનો સૂચનો કર્યા હતા. અમદાવાદમાં પોલીસ કમિશનરની જગ્યા ખાલી હોવાથી રથયાત્રાના બંદોબસ્ત બાબતે ગૃહમંત્રી તેમજ DGPએ ખાસ સૂચનાઓ આપી હોવા છતાં તે પૈકીની ઘણી સૂચનાઓનું પાલન થયું ન હતું. ઘણી બધી બાબતો એવી હતી કે ગૃહમંત્રીએ પોલીસની સારી કામગીરીને બીરદાવી હતી.