Home Trending Special રાજ્યમાં વરસાદે ધમાલ મચાવી …. , વિવિધ જિલ્લામાં ધોધમાર વરસાદ … નીચાણવાળા...

રાજ્યમાં વરસાદે ધમાલ મચાવી …. , વિવિધ જિલ્લામાં ધોધમાર વરસાદ … નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા …

156
0

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેને લઇ રાજ્યના કેટલાક તાલુકાઓમાં 1 ઈંચ સુધી વરસાદ પડ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદમાં નોંધાયો છે. જેમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે.

અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બપોર બાદ કાળાં ડિબાંગ વાદળો સાથે શહેરના થલતેજ, SG હાઇવે, બોપલ, જુહાપુરા, વેજલપુર, શિવરંજની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો તો બીજી તરફ વડોદરામાં પણ અનરાધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યાં છે. વડોદરાના રાવપુરામાં રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાતા વાહચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. . આથી વરસાદે મનપાની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે. જ્યારે નડિયાદમાં 3 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ 26, 27, 28, 29 અને 30નો સમાવેશ થાય છે.

વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 18 કલાકમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં જ 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને લઈ ઉમરગામના અનેક વિસ્તારોમાં પાણી પાણી જોવા મળ્યું હતું. બિજી તરફ શહેરના પાવર હાઉસ વિસ્તાર, નવીનગરી વિસ્તારમાં પણ વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા, જેથી ઘરવખરીનો સામાન બગડ્યો હતો. વરસાદને લઈ ઉમરગામમાં પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના પણ ધજાગરા ઉડ્યા હતા.  અમદાવાદમાં બપોરે 2 વાગ્યાથી ભારે વરસાદ શરૂ થયો હતો. 30 મિનિટમાં શહેરમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સરખેજ, મકરબા, વેજલપુર, મકતમપુરા પાલડી, જોધપુર, ટાગોર હોલ, વાસણા, જમાલપુર, માધુપુરા વિસ્તારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે મણિનગર, વટવા, મેમકો, નરોડા રોડ સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. માત્ર 30 મિનિટના વરસાદમાં શહેરના આંબાવાડી, સરખેજ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા. સાબરમતી નદીનું 136 ફૂટનું લેવલ જાળવવા માટે વાસણા બેરેજના બે દરવાજા બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા

વાત કરીએ ખેડા જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. નડિયાદ સહિત સમગ્ર પંથકમાં સારો વરસાદ પડ્યો છે. સાર્વત્રિક વરસાદને લઈને ખેડૂતોમાં આનંદોત્સવ રેલાયો છે. નડિયાદમાં પડેલા વરસાદને લઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત રેલવેના ચારેય અંડરબ્રીજ પાણીથી છલોછલ થઇ ગયા હતા. જેના કારણે નડિયાદ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. ઠેરઠેર પાણી ભરાઈ જવાના કારણે નડિયાદ પાલિકાનું પ્રી મોનસુન પ્લાન કાગળ પર જ જોવા મળ્યું તેવો ચિતાર જોવા મળ્યો હતો. વરસાદની રાહ જોતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો હતો.

 નડિયાદ ઉપરાંત મહેમદાવાદ પણ ચાર ઇંચ કરતાં વધુ વરસાદ આજે ખાબકી ગયો હતો. જેને લઇ ત્યાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના બાદ કરતા તમામ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ખેડા જિલ્લાના ફ્લડ કંટ્રોલ માંથી મળતી માહિતી મુજબ સવારે 10થી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડા જોઈએ તો નડિયાદમાં 99 મિમી, ઠાસરામાં 8 મિમી, મહેમદાવાદમાં 98 મિમી, કઠલાલમાં 5 મિમી, ખેડામાં 33 મિમી, ગળતેશ્વરમાં 40 મિમી, મહુધામા 51 મિમી, માતરમા ચાર અને વસોમાં 30 મિમી વરસાદ પડ્યો હતો.

રાજ્યના સ્ટેટ ઈમર્જન્સી સેન્ટર તરફથી મળેલા રાજ્યમાં વરસેલા છેલ્લા 24 કલાકના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે. ભાવનગરના ઘોઘામાં 3 ઈંચ તથા ભરૂચ, સુરેન્દ્રનગરના સાયલા અને રાજકોટના ધોરાજીમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અમરેલી, જૂનાગઢના ભેંસાણ, ગીરસોમનાથના વેરાવળ, ભાવનગર, સુરતના માંગરોળ, ભરૂચના વાગરા, વલસાડના વાપીમાં પણ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ગીરસોમનાથના ગીર ગઠડા, સુત્રાપાડા અને કોડિનાર, ભરૂચના અંકલેશ્વર, બોટાદ, રાજકોટના ગોંડલ, ભાવનગરના સિહોર, જૂનાગઢ શહેર અને તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે રાજકોટ, અમરેલીના બાબરા અને અરવલ્લી મોડાસામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો વલસાડના કપરાડામાં એક ઈંચ વરસાદ પડ્યો છે.

રાજ્યના સ્ટેટ ઈમર્જન્સી સેન્ટર દ્વારા પ્રાપ્ય વરસાદના આંકડા મુજબ આજે 26મી જૂને સવારના 6 વાગ્યાથી સવારના 8 વાગ્યાના સમયગાળા દરમિયાન 33 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ એક ઈંચ વરસાદ રાજકોટના જેતપુરમાં નોંધાયો છે. આ ઉપરાંત પોરબંદરના કુતિયાણા અને વલસાડના વાપીમાં પણ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

જૂનાગઢના ભેંસાણમાં 17 મિમી, રાજકોટના ધોરાજી અને વલસાડના ઉમરગામમાં 15-15 મિમી, પોરબંદર, નવસારીના ગણદેવી, વલસાડના પારડી અને દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 14-14 મિમી વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડના કપરાડામાં 12 મિમી વરસાદ થયો છે. તો જૂનાગઢના માળિયા હાટીનામાં 9 મિમી, જૂનાગઢના વંથલી અને અમરેલીના બગસરામાં 8-8 મિમી, પોરબંદરના રાણાવાવ અને જૂનાગઢના માંગરોળમાં 7-7 મિમી વરસાદ નોંધાયો છે. જૂનાગઢ તાલુકા અને શહેર તથા ગીરસોમનાથના પાટણ વેરાવળમાં 5-5 મિમી વરસાદ પડ્યો છે. જૂનાગઢના માણાવદર-કેશોદ અને સુરતના કામરેજમાં 4-4 મિમી વરસાદ છે. અમરેલીના રાજુલા અને વલસાડમાં 3-3 મિમી, રાજકોટના જામકંડોરણા, સુરતના બારડોલી, નવસારીના જલાલપોર અને વલસાડના ધરમપુરમાં 2-2 મિમી વરસાદ નોંધાયો છે. તો ભરૂચના ઝઘડિયા, નવસારીના ખેરગામ અને ગીર સોમનાથના ઉનામાં 1-1 મિમી વરસાદ પડ્યો છે.  અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં ઊભું થતું વરસાદી વહનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. 5 દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, ઉત્તર-મધ્ય, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. આહવા, ડાંગ અને વલસાડના ભાગોમાં વરસાદ વરસાદ વરસી શકે છે. જુલાઈ 5 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. જે ચોમાસાનો વિધિવત્ વરસાદ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here