ગોધરા : 28 માર્ચ
જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોલિસ અધિક્ષકશ્રીએ પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી
પંચમહાલ જિલ્લામાં શાંત માહોલમાં ધોરણ- ૧૦ અને ૧૨ ની બોર્ડપરીક્ષાઓનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ગોધરાની એમ એન્ડ એમ મહેતા સ્કુલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા તેમજ સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડે તેમજ પોલિસ અધિક્ષક ડો. લીના પાટિલે ઈકબાલ યુનિયન સ્કૂલ પર પરીક્ષાર્થીઓને આવકારી, મોં મીઠુ કરાવી, ગુલાબનું ફૂલ આપીને પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે આજે જિલ્લાનાં 38 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે. બે વર્ષનાં અંતરાલ બાદ આ પરીક્ષાઓ યોજાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા પૂરી તૈયારીઓ કરવામાં આવી છે. તેમણે વિદ્યાર્થીઓને કોઈ પણ ભાર કે તણાવ વગર પરીક્ષાઓ આપવા જણાવતા પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શનની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ.પંચાલે પણ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં પંચમહાલ જિલ્લામાં 52 પરીક્ષા કેન્દ્રો પર કુલ 38,488 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જિલ્લાનાં ધોરણ – 10 માટે બે ઝોન ગોધરા અને હાલોલ ઝોન છે, જેનાં અનુક્રમે 46 અને 31 બિલ્ડિંગમાં 862 બ્લોકમાં 25,473 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે ધોરણ – 12નાં 13,015 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. એસ.એસ.સી.ની પરીક્ષા માટે મોડલ સ્કૂલ, હાલોલ (હાલોલ ઝોન માટે) અને સરકારી તેલંગ વાણિજ્ય સ્કૂલ (ગોધરા ઝોન માટે) તેમજ એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માટે સરકારી તેલંગ વાણિજ્ય વિદ્યાલય ઝોન કચેરી રહેશે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ, સરસ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે રાજય પરીક્ષા બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ સારી રીતે ગોઠવવામાં આવી છે. પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે કાઉન્સેલિંગ સેન્ટરો અને કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. દરેક બિલ્ડિંગ ખાતે આરોગ્યની ટીમો સારવાર માટે હાજર રાખવામાં આવી છે. દરેક સ્થળ સંચાલક અને સુપરવાઈઝરને સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડવી જોઈએ નહીં અને જરૂર પડે તો એને લાગણીથી સાંભળીને મદદરૂપ થવાનો પ્રયાસ કરવો. તેમણે પરીક્ષાર્થીઓને ટેન્શન વિના ઉત્સાહ અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપી ઉજ્જવળ કારકીર્દીનું ઘડતર કરવા જણાવ્યું હતુ.