પંચમહાલ: 19 મે
ગોધરા ખાતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગ પે ચર્ચા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીએ ઉપસ્થિત રહી યોગ અંગેનું મહત્વ સમજાવતા સૌને યોગ કરી નિરોગી રહેવા જણાવ્યું હતું.કાર્યક્રમમાં રામજી મંદિરના મહંત, ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના રજીસ્ટાર, કાલોલ નગરપાલિકા પ્રમુખ,યોગ કોચ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે ગોધરા ખાતે ગુરુવારે સવારે છ વાગ્યે યોગ બોર્ડના ચેરમેનની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો યોગ શિબિર કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઘર ઘર સુધી અને પ્રત્યેક જન જન સુધી યોગ પહોંચાડવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.શહેરી અને ગ્રામ્ય કક્ષાએ યોગ કોચ અને યોગ ટ્રેનર તૈયાર કરી યોગ થકી સૌને નિરોગી રાખવા માટેનું કાર્ય પુરજોશમાં હાલ ચાલી રહ્યું છે.દેશના વડાપ્રધાનનું પણ ઘર ઘર અને જન જન સુધી યોગ પહોંચે અને સૌ યોગી બને એવું સ્વપ્ન છે જે પૂર્ણ કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ યોગ બોર્ડના ચેરમેન શીશપાલજી હાલ યોગ પે ચર્ચા અને યોગ શિબિર કાર્યક્રમ રાજ્યભરના અલગ અલગ સ્થળે યોજી રહ્યા છે.જેના ભાગરૂપે ગોધરા ખાતે પણ ઉક્ત કાર્યક્રમ યોજાયો હતો.બુધવારે ગોધરા બીઆરજીએફ ભવન ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીની અધ્યક્ષતામાં યોગ પે ચર્ચા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં પ્રારંભિક તબક્કામાં યોગ બોર્ડના ચેરમેન દ્વારા યોગ અંગેની જાણકારી સાથે યોગ થી જીવનમાં થતાં ફાયદા અંગે જાણકારી આપવામાં આવી હતી સાથે જ ઉપસ્થિતીઓને પ્રત્યક્ષ યોગાસન કરાવ્યા હતા.
આ પ્રસંગે ચેરમેન શીશપાલજીએ જણાવ્યું હતું કે યોગ થકી મનુષ્યનો પોતાનો વિકાસ ,દેશનો વિકાસ અને ધર્મનો વિકાસ થાય છે . આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભારતને વિશ્વ ગુરૂ બનાવવાની જે નેમ વ્યક્ત કરી રહયા છે જેઓનું આ સ્વપ્ન પુરૂ કરવા માટે આપડે સૌએ પણ જાતે નિરોગી રહેવા જીવનમાં યોગ અપનાવી દેશના તંદુરસ્ત વિકાસ માટે પણ સહભાગી બનવું પડશે એમ જણાવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતીઓ સાથે યોગ પે ચર્ચા કરી યોગ અંગે સૌના મંતવ્ય મેળવ્યા હતા.દરમિયાન ચેરમેન શીશપાલજીએ મનુષ્ય જીવનમાં બીમારી માટે રોજિંદા આહાર અને આહાર લેવાની પદ્ધતિને જવાબદાર ગણાવી હતી અને આહાર થકી વધતી જતી બીમારીઓ અને મેદસ્વીપણાને દૂર કરવા માટે યોગને જીવનમાં અપનાવવા માટે સૌને અપીલ કરી હતી.કાર્યક્રમમાં પતંજલિ સમિતિના હોદ્દેદારો, ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના રજીસ્ટાર, રામજી મંદિરના મહંત ઇન્દ્રજીત મહારાજ ,કાલોલ નગરપાલિકા પ્રમુખ શૈફાલીબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા.