ગુજરાતમાં વાવાઝોડાએ તો ભારે હાહાકાર મચાવ્યો. ત્યારે હવે બિપરજોય વાવાઝોડું ડીપ ડીપ્રેશનમાં ફેરવાતા ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાત્રે 11.30 વાગ્યે વાવાઝોડું ડીપ ડીપ્રેશનમાં ફેરવાયું હતું. જોકે આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
આજે ગુજરાતના 9 જિલ્લામાં વરસાદ પડી શકે છે. પરંતુ તે પહેલા શુક્રવારે પડેલા વરસાદનો રિપોર્ટ જોઇએ તો હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 200 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના ચાર તાલુકામાં 8 ઇંચ કરતાં વધારે વરસાદ નોઁધાયો તો સૌથી વધુ વરસાદ કચ્છના અંજાર અને માંડવીમાં 9 ઇંચ વરસ્યો છે. તેમજ ભચાઉ, ભુજ અને મુન્દ્રામાં 8 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો. કચ્છના જ રાપરમાં પોણા આઠ ઇંચ વરસાદ અને નખત્રાણામાં 7 ઇંચ વરસાદ રહ્યો.
હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 19 તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો. રાજ્યના 37 તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ રહ્યો. રાજ્યના 58 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. તેમજ રાજ્યના 103 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ ચોપેડે રેકોર્ડ થયો. અમદાવાદમાં ગઈકાલથી લઇ આજે સવારે પણ શહેરમાં વરસાદી માહોલ યથાવત છે. અમદાવાદમાં રાતથી શહેરમાં વરસાદ વરસી રહ્યો છે અને સવારે શહેરમાં વરસાદને કારણે આહલાદક વાતાવરણ જોવા મળ્યું છે. હળવા વરસાદી છાંટા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેથી અમદાવાદીઓ હરખાયા છે.
નવલખી બંદરે સર્જાયેલી તારાજીની ભયાનક તસ્વીર, તોફાની દરિયાએ બાર્જને રોડ પર ફેંક્યું તો બીજી તરફ, બિપોરજોય વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું તે પહેલા જ ઉત્તર ગુજરાતમાં વરસાદનું તાંડવ શરૂ થઈ ગયું હતું. જિલ્લાના સરહદીઓ વિસ્તારોમાં તે જ રફતારથી હવા ફૂંકાવાનું શરૂ થયું છે. મોડી રાતથી વહેલી સવારે પણ ભારે પવન અને વરસાદી જનજીવન પ્રભાવિત થયું છે. સુઈગામ, વાવ, ભાભર, થરાદ, ધાનેરા, લાખણી, દિયોદર સહિતના વિસ્તારોમાં ભારે પવનથી નુકસાન થયું છે. અનેક કાચા મકાનોના પતરા ઉડયા તો અનેક જગ્યાએ વૃક્ષ ધરાશે થતા કટીંગની કામગીરી હાથ ધરાઈ છે. તો સાથે જ મોડી રાત્રે આવેલા ભારે પવનથી તારાજી સર્જાઈ છે. ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં ભારે પાણીની આવક થઈ છે. સ્થાનિક વોહલા વોકળામાં ભરપૂર પાણીની આવક થતા રસ્તા બ્લોક થયા છે. પશુપાલકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. મોડી રાતથી વહેલી સવાર સુધી વરસાદનું જોર યથાવત છે.
રાજસ્થાનમાં વરસાદી માહોલ, માવસરી અને રાજસ્થાનને જોડતો રસ્તો તૂટ્યો તો મધ્ય ગુજરાતમાં બિપોરજોય વાવઝોડાની ગઈકાલે વડોદરામાં આખો દિવસ અસર રહી. આખો દિવસ 80 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. જેમાં 73 ઝાડ અને એક મકાન દીવાલ ધરાશાઈ થઈ હતી. બે દિવસમાં MGVCLના 260 થાંભલા ધરાશાયી થયા. તો 48 ગામોમાં વીજળી ડૂલ થઈ હતી. દિવાલ ધસી પડવાથી એક મહિલાનું મોત થયું છે. તેમજ 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.