આજથી ગણેશ મહોત્સવની શરૂઆત થઇ ગઇ છે. આજે દેશભરમાં ગણપતિ બાપ્પાનું આગમન થઇ ગયું છે. ત્યારે આજથી 10 દિવસ સુધી ભાવિ ભક્તો ગણપતિ દાદાની સેવા કરશે અને પૂજા-અર્ચના કરશે, સમગ્ર દેશમાં ગણપતિ દાદા માટે સોસાયટી , ઘર , ઓફિસ હોય કે પંડાલમાં વિવિધ શણગાર કરવામાં આવે છે. ત્યારે આજે એવા ગણેશજી માટેના શણગારની વાત કરવી છે કે જેને જોઇ તમારૂ મન મોહી જશે.
ગણેશજીની સ્થાપના માટે ભક્તો અવનવા શણગાર કરે છે. ત્યારે બેંગલુરુમાં જેપી નગર સ્થિત સત્ય ગણપતિ મંદિર પરિસરમાં અમુલ્ય અને સુંદર શણગાર કરાયો છે. તે લગભગ 2.5 કરોડ રૂપિયાના સિક્કા અને નોટોથી શણગારવામાં આવ્યું છે. જે શણગારની તસવીર હમણાં વાયરલ થઇ રહી છે. ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે ભક્તો મંદિરો અને પંડાલોની મુલાકાત લઈ રહ્યા છે. અનોખા શણગારને કારણે સત્યગણતી મંદિર ભક્તોનું ધ્યાન ખેંચી રહ્યું છે. મળતી માહિતી અનુસાર આ મંદિરનું સંચાલન કરી રહેલા ગણપતિ શિરડી સાંઈ ટ્રસ્ટે 5, 10 અને 20 રૂપિયાના સિક્કાની માળા તૈયાર કરી છે. આ સાથે 10,20,50,100,200 અને 500ની નોટોના માળા પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ તોરણોની કિંમત લગભગ 2.5 કરોડ રૂપિયા છે. તેમજ લગભગ 150 લોકોની ટીમે એક મહિના દરમિયાન મંદિરને સિક્કા અને નોટોના માળાથી શણગાર્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, આ માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને સીસીટીવી દ્વારા પણ દેખરેખ રાખવામાં આવી રહી છે.