સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સાથે સંકળાયેલ કિમની વિદ્યાદીપ સાયન્સ કોલેજ દ્વારા કરવામાં આવેલી એક અનિયમિતતા મોટો વિવાદ ઊભો કરી દીધો છે. કોલેજે B.Sc. છઠ્ઠા સેમેસ્ટરના ઇન્ડસ્ટ્રિયલ માઇક્રોબાયોલોજી વિષયની પરીક્ષા યુનિવર્સિટી દ્વારા નિર્ધારિત તારીખ 2 એપ્રિલ કરતાં વહેલી, 27 માર્ચે જ લઈ લીધી હતી, જેના પરિણામે લગભગ 700 વિદ્યાર્થીઓને હવે ફરીથી આ પરીક્ષા આપવી પડશે.
પરીક્ષામાં અનિયમિતતાના આરોપ
આ અનિયમિતતાને કારણે પરીક્ષાની પારદર્શિતા અને વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્ન ઊભા થયા છે. પરીક્ષા સમયથી પહેલાં લેવાઈ હોવાને કારણે પેપર લીક જેવી પરિસ્થિતિ ઊભી થઈ હોવાના આરોપો સામે આવ્યા છે. આ બાબતને ગંભીરતાથી લેતા યુનિવર્સિટી પ્રશાસને 19 એપ્રિલે ફરી નવી પરીક્ષા યોજવાનો નિર્ણય લીધો છે.
યુનિવર્સિટીની કડક કાર્યવાહી
VNSGUના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ આ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, “વિદ્યાર્થીઓના હિત અને પરીક્ષાની પારદર્શિતાને ધ્યાનમાં લઈને યુનિવર્સિટીએ કડક નિર્ણય લીધો છે. વિદ્યાદીપ કોલેજને પરીક્ષા કેન્દ્ર તરીકે રદ કરવામાં આવી રહ્યું છે અને કોલેજ પર રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.”
વિદ્યાર્થીઓમાં રોષ
આ બેદરકારી ભર્યા બનાવથી વિદ્યાર્થીઓમાં ખાસ્સો રોષ જોવા મળ્યો છે. ઘણા વિદ્યાર્થીઓએ પોતાની નિરાશા વ્યક્ત કરીને જણાવ્યું છે કે તેમની કોઈ ભૂલ ન હોવા છતાં તેમને ફરીથી પરીક્ષા આપવાની ફરજ પડી છે. વિદ્યાર્થીઓના અન્યાયને ધ્યાનમાં લઈને યુનિવર્સિટી પ્રશાસને કિમના વિદ્યાર્થીઓ માટે નજીકની કોસંબા સાયન્સ કોલેજમાં નવું પરીક્ષા કેન્દ્ર સ્થાપિત કર્યું છે, જેથી અન્ય વિદ્યાર્થીઓને કોઈ અસુવિધા ન થાય.