રિલાયન્સ પાવરના શેરમાં સાડા ત્રણ વર્ષમાં લગભગ 1650 ટકાનો ઉછાળો આવ્યો છે. વાત કરીએ ઉદ્યોગપતિ અનિલ અંબાણીની તો લગભગ તમામ કંપનીઓ ખોટમાં છે, કેટલીક કંપનીઓ તો નાદાર થઈ ગઈ છે. આ સમય દરમિયાન, છેલ્લા 6 મહિનામાં અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.આ પાવરના શેરની કિંમત માત્ર 6 મહિનામાં બમણી થઈ ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષમાં રિલાયન્સ પાવરનો શેર રૂ. 1 થી વધીને રૂ. 20 થયો છે. શેર ગુરુવારે ટ્રેડિંગ પછી ફ્લેટ બંધ રહ્યો હતો. શેર રૂ. 19.20 પર ખૂલ્યો અને ટ્રેડિંગ દરમિયાન રૂ. 20.15 સુધી ગયો, અંતે રૂ. 19.15 પર બંધ થયો. તમને જણાવી દઈએ કે, રિલાયન્સ પાવરના શેર તેમના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરની ખૂબ નજીક છે. કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 22.05 રૂપિયા છે. જ્યારે શેરનો 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 9.05 છે. રિલાયન્સ પાવર 27 માર્ચ 2020ના રોજ શેર રૂ. 1.12 પર હતો. જે હવે વધીને રૂ.20 થઈ ગઈ છે. રિલાયન્સ પાવરના શેર સાડા ત્રણ વર્ષમાં લગભગ 1650 ટકા વધ્યા છે. એટલું જ નહીં છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરમાં 115 ટકાનો અદભૂત વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન રિલાયન્સ પાવરનો શેર રૂ. 9.15 થી વધીને રૂ. 20 થયો હતો.
હવે જાણીએ રિલાયન્સ પાવર અને ઇન્ફ્રામાં રૂ. 1043 કરોડનું રોકાણ વિશે?
ઉલ્લેખનીય છે કે અનિલ અંબાણી જૂથની બે લિસ્ટેડ કંપનીઓ – રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રૂ. 1043 કરોડ ઊભા કર્યા છે. આ નાણાં રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સમાંથી એકત્ર કરવામાં આવ્યા છે. રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ એ ઓટમ ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સંપૂર્ણ માલિકીનું એકમ છે. આ નાણાં પ્રેફરન્શિયલ શેર જારી કરીને એકત્ર કરવામાં આવ્યા છે. રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ અગાઉ અનિલ અંબાણી જૂથની કંપની હતી. રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. 891 કરોડનું રોકાણ કરશે, તેમજ રિલાયન્સ પાવરમાં રૂ. 152 કરોડનું રોકાણ કરવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ સોદા પછી, રિલાયન્સ કોમર્શિયલ પાસે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 11% અને રિલાયન્સ પાવરમાં 2 % હિસ્સો હશે.