નવરાત્રિનાં તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તેમજ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ પણ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઇ રહી છે. ત્યારે આ દરમિયાન રાજ્ય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના હવામાન અંગે આગાહી કરવામાં આવી છે.
નવરાત્રિ પર્વમાં ખેલૈયાઓ અને ક્રિકેટ રસિયાઓમાં નારાજગી વર્તાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં વરસાદ તેમજ વાવાઝોડાને લઇ આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વરસાદ ભારત – પાકિસ્તાન મેચ અને નવરાત્રિનો તહેવાર બગાડી શકે છે. કરવામાં આવેલી આગાહી પ્રમાણે તા. 10 થી 14 ઓક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
હવામાન કેવું રહેશે?
હવામાન નિષ્ણાંત અંબાલાલના જણાવ્યા પ્રમાણે 14 ઓક્ટોબરના રોજ ગુજરાતભરમાં વાદળછાયાં વાતાવરણની શક્યતા છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 7 મી એ વરસાદની ભારે સંભાવના છે. ત્યારે તા. 17 થી 20 ઓક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે 15 ઓક્ટોબરથી તો પ્રથમ નોરતું છે. તે સિવાય આગાહી જોઇએ તો બંગાળની ખાડીમાં 7 થી 26 ઓક્ટોબર દરમિયાન 3 વાવાઝોડાની શક્યતા વર્તાઇ રહી છે. જે 10 થી 14 મી દરમિયાન ગંભીર ચક્રવાત સર્જાઇ શકે છે. આમ બંગાળની ખાડીમાં સર્જાયેલા 3 ચક્રવાતને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાનો છે.
ગુજરાતમાં નર્મદા ડેમની જળ સપાટી
ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની જળ સપાટી 138.06 મીટરે પહોંચી છે. નર્મદા ડેમમાં પાણીની આવક 56,654 ક્યુસેક છે, જ્યારે RBPHમાંથી પાણીનો પ્રવાહ 42,000 ક્યુસેક છે. ત્યારે નર્મદા નદીમાં પાણીની આવર અવિરત વધી રહી છે. જેથી રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વધારે વરસાદ પડ્યો છે. જ્યાં સિઝનનો લગભગ 100 ટકા વરસાદ થયો છે, જેના કારણે નર્મદા ડેમના દરવાજા 17 દિવસ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા હતા, અને હવે આજે નર્મદા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, રાજ્યમાં આ સિઝનમાં 100 ટકાથી વધુ વરસાદ થયો છે, જેમાં 128 તાલુકાઓમાં 100 ટકા અને 4 તાલુકાઓમાં 60 ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદી પાણીએ પણ ચિંતા સર્જી છે, કેટલીક જગ્યાએ પૂર અને કેટલાક સ્થળોએ ડેમ તૂટેલા જોવા મળ્યા છે.