રાજકોટમાં થોડા દિવસ પૂર્વે ગણેશોત્સવ દરમિયાન યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્વર ચોકમાં વોંકળાનો સ્લેબ તૂટી ગયો અને એક વ્યક્તિનો જીવ ગયો તથા અનેક ઘાયલ થયા તે બનાવને મહાપાલિકાના તંત્રએ હળવાશથી લીધો છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી ઇન્દ્રનીલ રાજગુરુએ આ દુર્ઘટના પછી નક્કર પગલાં લેવામાં મહાપાલિકાનું તંત્ર નિષ્ફળ ગયું હોવાનો આક્ષેપ કર્યો છે.
પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ અને કોંગ્રેસના અગ્રણીઓએ મહાપાલિકામાં કમિશનરને રૂબરૂ મળીને એક આવેદન પત્ર સુપ્રત કર્યું હતું. આ આવેદનપત્રમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ દુર્ઘટનાને મહાપાલિકાને ગંભીરતાથી લીધી જ નથી. કારણ કે હજુ સુધી જવાબદારો સામે કોઈ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી.
આ રજૂઆત અનુસાર, આ દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે જયારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ સિવાય સર્વેશ્વર ચોકમાં આવેલા શિવમ કોમ્પ્લેક્સમાં રહેલા દુકાનદારો અને ઓફિસધારકોને પણ ત્યાં જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આ બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવ્યું છે અને આ વેપારીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે પણ મૂળ વાત એ છે કે, આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈની જવાબદારી નક્કી કરવામાં આવી નથી.
વધુમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, આ દુર્ઘટના પાછળ કોઈ ટેકનીકલ મુદ્દો હોવાનું ગણાવ્યું છે પણ કોઈની જવાબદારી ફિક્સ કરવામાં આવી નથી. જે તે સમયે કોન્ટ્રાક્ટરની જવાબદારી હતી કે કોની હતી તે પણ જાહેર કરાયુ નથી. કોંગ્રેસને એમ લાગે છે કે, આ પ્રકરણમાં કોઈને છાવરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઇન્દ્રનીલ રાજગુરુએ આક્રોશ સાથે એમ પણ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના બની ગયા પછી સ્થળ ઉપરની સ્થિતિ જેમની તેમ છે અને તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં બીજી વાર કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની તે પણ કોઈ કહી શકે તેમ નથી. મહાપાલિકાએ તાત્કાલિક પગલાં લઈને જવાબદારોને સબક શીખવાડવો જોઈએ અને આ સ્થળે બીજી વાર દુર્ઘટના ન બને તે માટે તાત્કાલિક પગલાં પણ લેવા જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.