દેશી દારૂના ખુલ્લેઆમ વેંચાણ વચ્ચે પ્રોહીબિશનની કામગીરી કરનાર કર્મચારીને જવાબદાર અધિકારીએ બુટલેગરની હાજરીમાં જ બેફામ ખખડાવી નાખ્યાનો પોલીસ વિભાગ માટે અત્યંત શરમજનક કિસ્સો સામે આવતા ચકચાર મચી છે.
મળતી માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લો દેશી દારૂનું એ.પી સેન્ટર બની ગયેલા સુત્રાપાડા પંથકમાં ખુલ્લેઆમ દારૂનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. જેના છાશવારે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રહે છે. પરંતુ સુત્રાપાડા પંથકમાં દેશી દારૂનું વેચાણ બંધ થતું નથી. ત્યારે સુત્રાપાડા પોલીસ જાણે હવે તમામ હદ વટાવી ગઈ હોય તેવો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ગત 17 ઓક્ટોબરની રાત્રીના પ્રશ્નાવડા ગામે દેશી દારૂ સાથે એક બુટલેગરને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો અને તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. સામાન્ય સંજોગોમાં પોલીસની પ્રોહીબિશનની કામગીરી અને આવા કેસો રૂટિન હોય છે પરંતુ આ કિસ્સામાં સુત્રાપાડા પોલીસનો ભ્રષ્ટ ચહેરો ઉઘાડો પડ્યો છે.
પોલીસ ચોપડે નોંધાયેલ આ ગુનામાં આરોપી બુટલેગર સફૂ પોલીસ સ્ટેશનમાંથી મુદામાલ સાથે ફરાર થઇ જાય છે જેને ફરી પોલીસ રાત્રીના સાડા દસ વાગ્યે પકડી લાવે છે અને કાર્યવાહી કરે છે તેવું દર્શાવાયું છે.ત્યારે આ સામાન્ય પ્રોહીબિશનનો કેસ જણાતા આ કિસ્સામાં પડદા પાછળની કહાની ચોંકાવનારી અને પોલીસ તંત્ર માટે ખુબ જ શરમજનક છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ 17 ઓકટોબરના રોજ સ્ટેટ કન્ટ્રોલમાંથી વર્ધિ આવે કે પ્રશ્નાવડા ગામે નરેશભાઇ વાજાના ઘરના ઓટલે ત્રણેક ઇસમો દારૂ પી ને બબાલ કરે છે. તેવી વર્ધી આપતા ફરજ પરના પોલીસ કર્મચારીઓ તુરંત પ્રશ્નાવડા ગામે પહોંચે અને સ્ટેટ કન્ટ્રોલમાં ફરિયાદ કરનારનો સંપર્ક કરતા ફરિયાદી એ તેના ઘરની બાજુમાં સફુ નામનો ઈસમ દારૂ નું વેચાણ કરતો હોવાનું જણાવતા પોલીસ ત્યાં જઈ તપાસ કરતા સરફરાજ ઉર્ફે સફુ વલીભાઇ ખત્રી નામનો બુટલેગર દારૂના જથ્થા સાથે મળી આવતા ફરજ પરના પોલીસ કર્મચારીઓ આ બુટલેગરને દારૂના મુદામાલ સાથે પોલીસ સ્ટેશન લઈ આવી અને ફરજ પરના PSO ને સોંપે છે.
આ બુટલેગરને દારૂના મુદામાલ સાથે લઈ આવેલ ભીખાભાઈ પઢીયારના જણાવ્યા મુજબ થાના અધિકારી PSI વાઘેલાએ ચેમ્બરમાં બોલાવી બુટલેગર ની હાજરી માં બેફામ ખખડાવી ના બોલવા ના શબ્દો બોલી ખૂબ જ અપમાનિત કરતા જણાવ્યું હતું કે તમને આ બુટલેગર ને લઈ આવવાનું કોને કહ્યું હતું. આ સાંભળી પોલીસ કર્મચારી હતપ્રભ બની જાય છે. આ મામલે બપોરે બુટલેગરને જવા દીધા બાદ રાત્રી ના 10:30 કલાકે નાટ્યાત્મક રીતે ફરી બુટલેગરને લાવે છે તેના વીરુદ્ધ ગુન્હો દાખલ કરે છે. અને આ સમગ્ર મુદ્દે ભોગ બનનાર પોલીસ કર્મચારી ભીખાભાઈના જણાવ્યા મુજબ તેઓ આ મામલે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાને ફરિયાદ કરવા રૂબરૂ ગયેલ પરંતુ જિલ્લા પોલીસ વડા મળ્યા નથી. ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક આ મામલાને કેટલી ગંભીરતાથી લે છે અને સુત્રાપાડાના કથિત રીતે ભ્રષ્ટાચારમાં ઓતપ્રોત અધિકારીઓ અને કર્મચારીઓ સામે કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું હાલ તો પોલીસ બેડા માં સમગ્ર ઘટના ચર્ચા નો વિષય બન્યો છે..
અહેવાલ – મહેશ ડોડિયા , ગીર સોમનાથ
————————————————–