Home આંકલાવ આંકલાવના કંથારીયામાં તસ્કરોએ વિધવા મહિલાના બંધ મકાનને નિશાન બનાવી ચોરીને આપ્યો અંજામ...

આંકલાવના કંથારીયામાં તસ્કરોએ વિધવા મહિલાના બંધ મકાનને નિશાન બનાવી ચોરીને આપ્યો અંજામ …

86
0

આંકલાવ તાલુકાના કંથારીયા ગામમાં એકલવાયું જીવન ગુજારતાં વિધવા મહિલા પોતાનું મકાન બંધ કરીને થોડા દિવસ રહેવા માટે પોતાના પિયર ગયાં હતાં. તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનનું તાળું તોડી અંદર ઘૂસ્યા હતા અને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા 1.67 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે આંકલાવ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

આંકલાવ તાલુકાના કંથારીયા ગામના કાકડીયા સીમ વિસ્તારમાં આવેલ પોલ્ટ્રીફાર્મ સામે રહેતાં 63 વર્ષીય ઉલ્લાસબેન સુહાસભાઈ પટેલના પતિનું બે માસ અગાઉ અવસાન થયું હતું. ત્યારથી ઉલ્લાસબેન એકલવાયું જીવન ગુજારી રહ્યાં છે. જેનાથી કંટાળેલા ઉલ્લાસબેન ગત તારીખ 24 મી નવેમ્બરના રોજ બપોરના સમયે પોતાના મકાનના મુખ્ય દરવાજાને લોક કરી, પોતાના પિયર દહેમી ગામે થોડા દિવસ રહેવા ગયાં હતાં. આજરોજ સવારના સમયે તેઓ પોતાના પિયરમાં હાજર હતાં. તે વખતે કંથારીયા સ્થિત પોતાના મકાનમાં ચોરી થઈ હોવા અંગેની જાણ પાડોશી મારફતે ઉલ્લાસબેનને થઈ હતી. જેથી તેઓ તુરંત જ કંથારીયા સ્થિત પોતાના મકાને પહોંચ્યા હતા. તે વખતે મકાનના મુખ્ય દરવાજાનુ તાળુ તુટેલુ હતું, આ તુટેલુ તાળુ ત્યાં જ નીચે જમીન પર પડેલું હતું અને દરવાજા ખુલ્લા હતાં.

ઉલ્લાસબેને ઘરની અંદર જઇને જોયું તો, હોલ, બેઠક રૂમના તમામ કબાટ ખુલ્લાં હતાં અને અંદરની તમામ ચીજવસ્તુઓ વેરણ છેરણ પડેલ હતી. આ ઉપરાંત બેડરૂમમા મુકેલ લોખંડની નાની તીજોરીનો દરવાજો તથા તેની અંદરના લોકર તુટેલા હતાં અને તેમાંથી બે તોલા વજનનું સોનાનુ પેન્ડલવાળુ એક મંગળસુત્ર કિંમત રૂપિયા 40 હજાર, સોનાની નંગવાળી બે વીંટી કિંમત રૂપિયા 16 હજાર, સોનાની એક જોડ બુટ્ટી કિંમત રૂપિયા 6 હજાર, સોનાનો ઓમ કિંમત રૂપિયા 6 હજાર, સોનાની બે બંગડી કિંમત રૂપિયા 8 હજાર, ચાંદીના દાગીના કિંમત રૂપિયા 6 હજાર અને રોકડા રૂપિયા 85 હજાર મળી કુલ રૂપિયા 1.67 લાખનો મુદ્દામાલ ગાયબ હતો. જેથી ઉલ્લાસબેન પટેલે પોતાના ઘરમાં થયેલ ચોરીની ઘટના અંગે આંકલાવ પોલીસમથકમાં ફરીયાદ આપી છે. જેના આધારે પોલીસે અજાણ્યાં તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here