પાંજરાપોળ વિસ્તારમાં બે-ત્રણ દિવસ અગાઉ એક દુકાનમાંથી 119 iPhoneની ચોરી કરનારા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી દીધી. પોલીસે જમાલપુર નજીકથી દરજી અને મકવાણાને પકડી પાડ્યા હતા. આ સાથે ચોરેલા ફોન અને એક બાઈક જપ્ત કરી હતી. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, દરજીને તેના ઘરના બાંધકામ માટે પૈસાની જરૂર હતી અને આ માટેથી તેણે ફોનની દુકાનમાં ધાડ પાડવાનું નક્કી કર્યું હતું. મકવાણા, જેણે આશરે 10 વર્ષ સુધી ફોન રિપેરિંગની દુકાનમાં કામ કર્યું હતું, તેણે ચોરેલા આઈફોનને દિલ્હી અને મુંબઈમાં વેચવાનું નક્કી કર્યું હતું. દરજી અને મકવાણાએ સૌથી પહેલા આનંદનગર વિસ્તારમાંથી બાઈક ચોરી હતી અને તેના પર તેઓ પાંજરાપોળ ચાર રસ્તા પાસે આવેલી ફોનની દુકાનમાં ગયા હતા.
ચાણક્યપુરીના રહેવાસી 40 વર્ષીય અપૂર્વ ભટ્ટે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાંજરાપોળ ચાર રસ્તા પાસે થર્ડ આઈ વિઝન કોમ્પ્લેક્સમાં આવેલી તેમની દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી અને 78 લાખ રૂપિયાની કિંમતના 119 iPhone ચોરાઈ ગયા હતા. શહેર ક્રાઈમ બ્રાંચ પોલીસને બાતમી મળી હતી કે, વડોદરાના ફતેહપુરામાં રહેતો અમિત દરજી નામનો શખ્સ, જે ચોરી અને ઘરફોડ ચોરીના 20 જેટલા કેસમાં સંડોવાયેલો હતોસ તેણે તેના સાથીદાર અશોક મકવાણા સાથે મળીને iPhoneની ચોરી કરી હતી.
ક્રાઈમ બ્રાંચના પોલીસકર્મીઓએ જણાવ્યું હતું કે, આરોપીઓએ 90 લાખના ફોનની ચોરી કરી હતી જ્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સમક્ષ દાખલ કરાયેલી ફરિયાદમાં ફોનની કિંમત આશરે 78 લાખ રૂપિયા દર્શાવવામાં આવી હતી. આ અંગે, ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમણે ફોનની ચોક્કસ કિંમત મૂકી હતી જ્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે તે ફોનની અંદાજિત કિંમત લખી હતી. શહેર ક્રાઈમ બ્રાન્ચે વધુ કપાસ માટે તેમની કસ્ટડી ગુજરાત યુનિવર્સિટી પોલીસને સોંપી હતી.