આણંદ.
આણંદના રાજોડપુરા વિસ્તારમાં મંગળવારની મોડી રાત્રે છએક જેટલા શખસે બે યુવકને આંતરિક તેને અહીંથી પસાર થવું નહીં, તેમ કહી મારમાર્યો હતો. બાદમાં ભેગા થયેલા ટોળાએ પથ્થરમારો પણ કર્યો હતો. આ હુમલામાં ગોળીબાર થયો હોવાની પણ વાત ફેલાતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે પોલીસે છ શખસ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પરંતુ ગોળીબાર થયો છે કે કેમ ? તે શહેર પોલીસ બીજા દિવસે પણ જાણી શકી નહતી.
આણંદના રાજોડપુરામાં ભાથીજી મંદિરની પાસે રહેતા અમન મહેન્દ્રભાઈ ગોહેલ ડેજી સાઉન્ડનું કામ કરે છે. તેઓ 2જી મે,ના રોજ રાત્રે સાતેક વાગ્યાની આસપાસ તેના મિત્ર ગોહેલ વિજય મેલાભાઈ સાથે ક્રિકેટ રમવા ગયાં હતાં. જ્યાંથી તેઓ બાઇક પર પરત ઘરે જતા હતા, તે સમયે રાજોડપુરા બ્રિજની નીચે ખુલ્લા ખેતરની બાજુમાં રોડ પરથી પાંચથી છ અજાણ્યા શખસો નંબર પ્લેટ વગરની ગ્રે કલરની બ્રેજા કાર, બ્લ્યુ કલરની સ્વીફટ કાર લઇને રસ્તામાં ઉભા હતા. આ શખસોએ બન્નેને ઉભા રાખી કહ્યું કે, આ રસ્તા ઉપરથી તમારે કોઇને આવવા – જવાનું નહીં. તેમ કહી એક શખસે કે જેના માથા ઉપર મોટા વાળ અને ચોટલો બાંધેલો હતો. મોટી દાઢી રાખેલી હતી. તેણે અમનને બે લાફા મારી દીધાં હતાં. આ ઉપરાંત સફેદ કલરનો શર્ટ પહેરેલ અને દાઢી રાખેલી તેણે વિજયને લાકડાનો દંડો મારી દીધો હતો. અચાનક આ હુમલાથી અમને તુરંત તેના પિતા અને મિત્ર નિતેશ દિનેશભાઈ ગોહેલ (રહે.રાજોડપુરા)ને ફોન કરી બનાવની વાત કરી, રૂદ્રરાજ ફ્લેટ પાસે જલ્દી આવી જવા જણાવ્યું હતું. જેથી થોડીવાર પછી અમનના પિતા, નિતેશ તથા ઘણા બધા લોકો દોડી આવ્યાં હતાં. જોકે, હુમલાખોરો શખસો પણ પાંચથી છ જેટલા ઘરની આગળ હાથમાં દંડો લઇને રોડ પર ટોળા સામે ઉભા રહી ગયાં હતાં. તેઓએ સામેથી અચાનક પથ્થર મારો શરૂ કરી દીધો હતો. જેથી અમનને બચાવવા આવેલા ટોળાએ પણ પથ્થરમારો કરતાં ત્રણથી ચાર વખત ધડાકાનો અવાજ થયો હતો. જેથી ફાયરીંગ થયાનું જણાતાં નાસભાગ મચી ગઈ હતી.
અમને ફરિયાદમાં જણાવ્યું હતું કે, બન્ને બાજુથી પથ્થરમારો થતો હતો તે સમયે ત્રણથી ચાર વખત અંધારામાં આવેલા ધડાકાના અવાજ શેના હતા ? તે ખબર નથી અને આ ધડાકા કેવી રીતે થયા અને કોણે કર્યા તે પણ ખબર નથી. બાદમાં હુમલાખોરો શખસ ભાગવા લાગ્યાં હતાં. પરંતુ ટોળાએ કાર આડી મુકી દેતા તેઓ ભાગી શક્યાં નહતાં. બીજી તરફ પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને છ શખસની અટક કરી હતી. આ અંગે તપાસ કરતાં હુમલાખોરોમાં મેહુલ નાનુ ભરવાડ (રહે.રાજોડપુરા), તેના મિત્ર દાના ભરવાડ, ગગજી, સાગર, પ્રફુલ તથા પ્રદીપ હતાં. આ અંગે પોલીસે મેહુલ નાનુ ભરવાડ સહિત છ શખસ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.
અલબત્ત, ફરિયાદમાં દર્શાવેલા ધકાડાના અવાજ ફાયરીંગના હતા કે કેમ ? તે જાણવા બુધવારના રોજ વ્હેલી સવારે પોલીસે એફએસએલની મદદ લીધી હતી.
આણંદમાં ફાયરીંગ થયું છે કે કેમ ? તે ઘટનાના 12 કલાક બાદ પણ પોલીસ નક્કી કરી શકી નથી
આણંદમાં મોડી રાત્રે થયેલી મારામારીમાં પથ્થરમારો કરાયો ઃ છ શખસની ધરપકડ કરાઇ