હાલના સમયમાં ઈલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતા ખૂબ ઝડપથી વધી રહી છે. વાહનોથી થતું કાર્બન ઉત્સર્જન, ગ્લોબલ વોર્મિંગ અંગે વધી રહેલા જાગૃતિ, ઉત્સર્જન અંગેના કડક માપદંડ અને સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનના કારણે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં વધારો થઈ રહ્યો છે.
ત્યારે ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું છે. ઈલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગમાં વધારે સહાયતા મળે એ માટે સરકારે નવી પોલિસીનું નિર્માણ કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021માં ઇ-વ્હીકલ પોલિસી જાહેર કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં ઇ-વ્હીકલ પોલિસી જાહેર કરાયા પછી EVના રજિસ્ટ્રેશનમાં 1475 ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે.
આ સાથે ગુજરાત રાજ્યમાં આજે રજીસ્ટર્ડ ઇલેક્ટ્રિક વ્હીકલની સંખ્યાનો આંકડો 1,18,086 સુધી પહોંચી ગયો છે, જે અગાઉ માત્ર 7240 આસપાસ રહ્યો હતો. છેલ્લા પાંચ મહિનામાં દર મહિને 8,858 ઈલેક્ટ્રિક વાહનોની નોંધણી કરવામાં આવી છે. ગુજરાતમાં સૌથી વધુ 31,561 ઈલેક્ટ્રીક વાહનો સુરતમાં નોંધાયા છે, તે પછી અમદાવાદમાં 20,937, વડોદરામાં 7,648, રાજકોટમાં 6,678 અને જામનગરમાં 3,259 EV નોંધાયા છે.