કંઈક નવું વિચારવા અને નવું કરવાનો શોખ અને ટેવ ધરાવતા રાજકોટીયન્સમાં ક્યારેય નવીનતાનો અભાવ રહેતો નથી. રાજકોટવાસીઓના લોહીમાં જ સતત બદલાવ અને પરિવર્તનની ભાવના રહે છે. શહેરીજનો દાંડિયા વિથ ઝૂંબાના એક નવા જ ટ્રેન્ડ તરફ વળ્યાં છે. ત્યારે આવો જોઈએ શું છે આ નવો ટ્રેન્ડ..
કોઈ પણ તહેવાર હોય કે પછી કોઇ ફરવાનું સ્થળ પણ જો તે ગરબા ન કરે તો એ ગુજરાતી ન કહેવાય. ત્યારે રાજકોટમાં ” ઝૂંબા વિથ દાંડિયા” એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે. છે ને આ મજાનો કોન્સેપ્ટ ? રાજકોટમાં ઝૂંબા ગરબાના અનોખા કલાસીસ ચાલી રહ્યા છે. જ્યાં શહેરીજનો ઝૂંબા સાથે ગરબા રમી કસરત કરે છે.
રાજકોટ રંગીલું અને મોજીલું શહેર કહેવાય છે. રાજકોટમાં સારું સ્વાસ્થ્યને તંદુરસ્તી રાખવા માટે શહેરીજનો અનેકવિધ નુસખાઓ અજમાવતા હોય છે. ત્યારે હવે રાજકોટવાસીઓએ તંદુરસ્તી પણ જળવાય અને ગરબાની મજા પણ માણી શકાય તે માટે શહેરના અલગ અલગ જિમમાં ઝૂંબા કલાસ શરૂ કરાયા છે. જે શરૂ થતાં લોકો ઝૂંબા વિથ દાંડીયાના ક્લાસમાં ભાગ લઇ રહ્યા છે અને સ્વાસ્થયની સાથે સાથે ગરબાની મજા માણે છે. ઝૂંબા સાથે દાંડિયાનો તાલ મિલાવવા માટે યંગસ્ટર્સ થી માંડી મોટેરાઓ દરરોજ સવારે 5.30 થી 8 દરમ્યાન લોકો દાંડીયા વિથ ઝૂંબા કરીને અલગ જ તાજગીનો અનુભવ કરે છે.
રાજ્યમાં એક તરફ હાર્ટ એટેકની ઘટનાઓ પણ વધી છે. ત્યારે બીજી તરફ આ વર્ષે નવરાત્રીના દરેક આયોજનોમાં હેલ્થ ટિમ રહે તેવી અપીલો પણ કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં આવેલા વિવિધ જિમોમાં ઝૂંબા ગરબાનો આ ક્રેઝ ખુબ જ વધ્યો છે. ઝૂંબાની વાત કરવામાં આવે તો આ એક પ્રકાર ની ડાન્સ કસરત છે. જેમાં ડાન્સની સાથે કસરત કરવામાં આવે છે. ઝૂંબાથી સ્ટેમિના પણ વધે છે તેમજ શરીરનો વજન પણ ઘટે છે…ટ્રેનરોનું માનીએ તો આ ઝૂંબા ગરબાથી ગરબાપ્રેમીઓ 30 થી વધુ મિનિટ સુધી વગર થાકે ગરબાના તાલે ઝૂમી શકે છે.
હાલ તો ફિટનેશની સાથે યંગસ્ટર્સ શોખની પણ પૂર્તિ કરી રહ્યા છે. ત્યારે રાજકોટનો ઝૂંબા વિથ દાંડિયાનો નવો ટ્રેન્ડ સમગ્ર ગુજરાતમાં પ્રચલિત બનશે તેવી આશા સંચાલકો સેવી રહ્યા છે.