Asian Games ના ચોથા દિવસની શરૂઆત ભારત માટે સારી રહી હતી. શૂટિંગમાં સિલ્વર મેડલ બાદ હવે ભારતને ગોલ્ડ મેડલ પણ હાંસલ થયો છે. મહિલાઓની 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાનની ત્રિપુટીએ ચીનને હરાવીને ભારત માટે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. મનુએ મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધાની ક્વોલિફિકેશનમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ઈશા પાંચમા અને રિધમ સાતમા ક્રમે છે. હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતનો આ ચોથો ગોલ્ડ મેડલ છે.
આ પહેલા મહિલા રાઈફલ ટીમે 50 મીટર રાઈફલ-3 પોઝીશન ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આશી ચૌકસી, માનિની કૌશિક અને સિફ્ટ કૌર સમરાની મહિલા ટીમે એશિયન ગેમ્સ 2023ની ફાઇનલમાં 1764ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. ચીને ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે કોરિયાને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. દરમિયાન, સિફ્ટ કૌર સમરાએ 9.900 ની સરેરાશ સાથે કુલ 594 પોઈન્ટ બનાવ્યા, જે એશિયન ગેમ્સ ક્વોલિફિકેશન રેકોર્ડ સ્કોર છે. સિફ્ટ વ્યક્તિગત ક્વોલિફિકેશનમાં બીજા સ્થાને રહી જ્યારે આશી છઠ્ઠા સ્થાને રહી અને મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશનની ફાઇનલમાં ક્વોલિફાય થઈ.
એશિયન ગેમ્સ 2023માં ભારતે અત્યાર સુધીમાં ચાર ગોલ્ડ, પાંચ સિલ્વર અને સાત બ્રોન્ઝ સહિત કુલ 16 મેડલ જીત્યા છે. ભારતે શૂટિંગમાં સૌથી વધુ 7 મેડલ જીત્યા છે. જેમાં 2 ગોલ્ડ, 2 સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ પછી ભારતને રોઈંગમાં 5 મેડલ મળ્યા છે. જેમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ છે. ભારતને ક્રિકેટમાં પણ ગોલ્ડ મેડલ મળ્યો છે. મહિલા ટીમે એક દિવસ પહેલા જ ક્રિકેટ ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લીધો હતો અને પ્રથમ જ પ્રસંગે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય તેણે સેલિંગમાં 2 મેડલ અને હોર્સ રાઈડિંગમાં એક મેડલ જીત્યો છે. ઘોડેસવારીમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે.