નડિયાદ : લોકાભિમુખ વહિવટ માટે સ્વાગત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં તારીખ ૨૪, ૨૫, અને ૨૬ એપ્રિલ અંતર્ગત સ્વાગત કાર્યકમનું આયોજન છે. ત્યારે ખેડા જિલ્લામાં કલેક્ટરશ્રી કે.એલ. બચાણીની અધ્યક્ષતામાં મહેમદાવાદ મામલતદાર કચેરી ખાતે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢીયાની અધ્યક્ષતામાં ગળતેશ્વર અને નડિયાદ પ્રાંત અધિકારી શ્રી જે. એમ ભોરાણીયાની અધ્યક્ષતામાં નડિયાદ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમોમાં લોકોની વિવિધ સમસ્યાઓના કુલ ૨૮૫ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે સાથે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત અરજદારોને સ્વાગત સરકારી યોજનાઓ અંગે માહિતી આપતી પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સ્વાગત સપ્તાહ ઉજવણી અંતર્ગત મહેમદાવાદ મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી કે.એલ. બચાણીની અધ્યક્ષતામાં ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતના મળીને કુલ ૧૬૧ પ્રશ્નોનું તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યુ હતુ. જેમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર ૩૦ અરજદારોના ૩૦ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું તથા કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં ૧૦ લોકોને NFSA યોજના અંતગર્ત રેશનકાર્ડ આપવામાં આવ્યા હતા.
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢીયાની અધ્ચક્ષતામાં ગળતેશ્વર તાલુકા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વિવિધ વિભાગને લગતા કુલ ૨૨ પ્રશ્નો બાબતે હાજર અરજદારોને સાંભળી, સંકલનના સંબંધિત અધિકારીઓ સાથે પ્રશ્નોની ચર્ચા થઈ તથા તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો. ઉપરાંત ગ્રામ સ્વાગતમાં પુછાયેલ કુલ ૮૭ પ્રશ્નોના હકારાત્મક નિકાલની કામગીરી પણ કરવામાં આવી. તેમજ માહિતી ખાતામાંથી મળેલ સરકારશ્રીની વિવિધ યોજનાઓ દર્શાવતું સાહિત્ય કચેરીઓમાં આવનાર અરજદારોને સમજુતી આપવા સંકલનના અધિકારીઓ તથા અરજદારોને વિતરણ કરવામાં આવ્યું હતુ.
આ સિવાય નડિયાદ પ્રાંત અધિકારી શ્રી જે. એમ. ભોરણીયાના અધ્યક્ષસ્થાને નડિયાદ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત પાણી, બી.પી.એલ., રોડ રસ્તા, પાણી કાંસ, સ્ટ્રીટ લાઈન, પી.એમ સ્વનિધિ, સહિતના કુલ ૨૫માંથી ૨૩ પ્રશ્નોનું રૂબરુ નિરાકરણ કરવામાં આવ્યું તથા એક પ્રશ્ન નિતિવિષયક અને એક અરજીની માંગ અંગે જોગવાઈ બાબતે અરજદારને સમજુતી આપવામાં આવી.
તાલુકા સ્વાગત કાર્યક્રમોમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ, પાણી અને પુરવઠા, વાસ્મો, ફોરેસ્ટ, જીઈબી સહિત સંબધિત વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં અરજદારો હાજર રહ્યા હતા.