અમદાવાદ:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી વર્ષ માટે શૈક્ષણિક સત્રની જાહેરાત કરી દીધી છે. જે જાહેરાત બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે, સેન્ટ્રલ બોર્ડની સ્કૂલોની જેમ ગુજરાત બોર્ડની સ્કૂલોનું શૈક્ષણિક સત્ર નહીં ચાલે. અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે, રાજ્યમાં ગુજરાત બોર્ડની સ્કૂલોમાં સેન્ટ્રલ બોર્ડની જેમ એપ્રિલ મહિનાથી નવું સત્ર શરૂ કરાશે. અગાઉ કોરોના મહામારીના કારણે આ નવી વ્યવસ્થા અમલમાં નહોતી મૂકી શકાઈ. હવે, લાગી રહ્યું છે કે, સરકાર દ્વારા આ વિચાર પડતો મૂકવામાં આવ્યો છે.
ગુજરાત બોર્ડે વર્ષ 2023-24 માટે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરી દીધું છે. આગામી વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે અને 20 માર્ચ સુધી લેવાશે.નવું શૈક્ષણિક વર્ષ 5 જૂનથી શરૂ થશે અને 8 નવેમ્બર સુધી ચાલશે. પહેલું સત્ર કુલ 124 દિવસનું રહેશે. 9થી 29 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. નવા શૈક્ષણિક સત્રમાં કુલ 19 જાહેર રજા આપવામાં આવી છે.
2024-25માં સ્કૂલો 10 જૂનથી ખુલશે
નવું શૈક્ષણિક સત્ર 5 જૂનથી શરૂ થવાનું છે. આ ઉપરાંત વર્ષ 2024-25માં પણ 10મી જૂને નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. એવામાં લાગી રહ્યું છે કે, શિક્ષણ વિભાગે સેન્ટ્રલ બોર્ડની જેમ નવું શૈક્ષણિક સત્ર એપ્રિલમાં શરૂ કરવાનો વિચાર માંડી વાળ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે, શૈક્ષણિક કાર્ય માટે કુલ 246 દિવસો ફાળવવામાં આવ્યા છે. ગત વર્ષ કરતાં નવા સત્રમાં 12 દિવસ વધુ ફાળવાયા છે.
સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે
અગાઉ કોરોના મહામારીના કારણે અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ નવા શૈક્ષણિક કેલેન્ડરમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, વર્ષ 2023-24થી ધોરણ 9થી12નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. પ્રથમ પરીક્ષામાં જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે. ધોરણ 10 અને 12ની પ્રિલિમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. ધોરણ 9થી11ની દ્વિતિય પરીક્ષા માટે જૂનથી જાન્યુઆરીના ત્રીજા સપ્તાહ સુધીનો અભ્યાસક્રમ રહેશે. ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષામાં સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. દિવાળી વેકેશન 21 દિવસનું અને ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે. 19 જાહેર રજાઓ ઉપરાંત 5 દિવસ સ્થાનિક રજાઓ મળીને કુલ 80 રજાઓ રહેશે.