અમદાવાદ સાયબર ક્રાઇમે ટ્રેક ટેસ્ટ વગર લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આર.ટી.ઓ.ની મિલી ભગતથી ચાલતા આ કૌભાંડમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ટેકનિકલ છેડછાડ કરીને લાયસન્સ ઇસ્યુ કરાવી આપતા હતા.
આર.ટી.ઓ.માં લાયસન્સને લઈને વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવ્યો છે. જો કે ટ્રેક ટેસ્ટ પાસ કરવી અઘરી બનતા કેટલાક લોકોએ શોર્ટકટમાં બારોબાર લાયસન્સ મેળવવાનો કારસો રચ્યો હતો. અને ગાંધીનગર આર.ટી.ઓ.માં ફરજ બજાવતા બે આર.ટી.ઓ.ની મીલીભગતથી એજન્ટોએ ટેસ્ટ આપ્યા વગર જ લાયસન્સ ઇસ્યુ કરાવી આપવાના કૌભાંડની શરૂઆત કરી હતી.
આરોપીઓ10 હજાર રૂપિયામાં એક લાયસન્સ ઇસ્યુ કરાવી આપતા હતા. જો કે આર.ટી.ઓ. ના અધિકારીને આ બાબતની જાણ થતાં તેમણે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે પોલીસે તપાસ કરી આર.ટી.ઓ સમીર રતનધારિયા, જયદીપસિંહ ઝાલા અને એજન્ટ ભાવીન શાહની ધરપકડ કરી છે.