અમદાવાદ શહેરમાં અમદાવાદીઓની સુવિધામાં AMC દ્વારા વધુ એક સુવિધામાં આપવામાં આવી છે. વાત કરીએ તો શહેરમાં ભદ્ર થી કાલુપુર વચ્ચેનો જે રૂટ પર અંદાજિત 6 વર્ષ જેટલાં સમયથી બસની સેવા બંધ હતી. જે માટે AMTS બાલા હનુમાન એક્સપ્રેસ બસ જે ભદ્ર થી કાલુપુર વચ્ચે દોડશે. તેની પાંચમા નોરતાં એ શરૂઆત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હવે ભદ્રથી કાલુપુર વચ્ચે બાલા હનુમાન એક્સપ્રેસ બસ દર 20 મિનિટે મળી રહેશે. ત્યારે આ એક્સપ્રેસ બસ સેવાની ટિકિટનો દર 5 રૂપિયા નક્કી કરાયો છે. ત્યારે છેલ્લાં 6 વર્ષથી ગેરકાયદેસર દબાણોના કારણે મહત્વપૂર્ણ રૂટ પર બસ બંધ કરવાની નોબત આવી હતી. તેથી હવે AMC દ્વારા ભદ્ર આસપાસના સમગ્ર વિસ્તારનાં તમામ દબાણો દૂર કરીને ફરીથી આ બસ સેવા ચાલુ કરી છે. જે બસ સવારે 6.30 વાગ્યાથી લઇ રાત્રે પોણા નવ વાગ્યા સુધી 44 ટ્રિપો ગોઠવાશે. આ બસ ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા, પાનકોરનાકા, ફુવારા, બાલા હનુમાન મંદિર, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા દરવાજા, શહેર કોટડા, કાલુપુર, રેવડી બજાર, ધના સુથારની પોળ, ઝવેરીવાડ, વીજળી ઘર, અપના બજાર અને તિલકબાગ વચ્ચે દોડશે.
જોકે, હાલ ભદ્રકાળી મંદિર પરિસર, ત્રણ દરવાજા, ગાંધી રોડ કાલુપુરથી લઈ પરત ભદ્રકાળી મંદિર સુધીમાં મોટી સંખ્યામાં રોડ ઉપર દબાણ અને પાર્કિંગ જોવા મળે છે. રસ્તા પર ગમે તે જગ્યા મળે ત્યાં લોકો લારી અને પાથરણાં લઇને ગોઠવી દેતાં હોય છે. જેના કારણે બાલા હનુમાન એક્સપ્રેસને પસાર થવામાં મુશ્કેલી પડશે એ નક્કી છે. આશરે 20 કરોડના ખર્ચે AMC એ ભદ્ર પ્લાઝા તૈયાર કર્યો હતો. નગર દેવીના દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે કોટ વિસ્તારને આવરી લેતી મફત બસ સેવા પણ શરૂ કરાઈ હતી, પરંતુ દબાણના કારણે છેલ્લા 6 વર્ષથી આ રૂટની બસ સેવાને સદંતર બંધ કરવામાં આવી હતી.