તાજેતરમાં મોરબી સ્થિત સદ્ગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ તથા ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યની ૩૦ મહાવિદ્યાલયોના 400 થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઋષિકુમારો માટે વિવિધ વેદ, શાસ્ત્રો વગેરેની ભાષણ, શલાકા, કંઠપાઠ, વેદપાઠ, શ્લોકાન્ત્યાક્ષરી, ક્વીઝ વગેરે સ્પર્ધાઓનું ભવ્ય આયોજન થયું હતું.
આ સ્પર્ધાઓ માટે 100 થી વધુ નિર્ણાયકો અને માર્ગદર્શકોએ વિદ્યાર્થીઓનું ઉત્તમ પરીક્ષણ કર્યા બાદ જે તે વિષયમાં પોતાનો નિર્ણય આપી વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે વિજેતા જાહેર કર્યા હતા. જે પૈકી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય-પેટલાદના વિદ્યાર્થી ભટ્ટ રાજન કમલેશભાઈ – જ્યોતિષ ભાષણ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ, પુરોહિત જય દિપકભાઈ ધર્મશાસ્ત્ર ભાષણ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ અને સંસ્કૃત સાહિત્ય રચનામાં દ્વિતીય જોષી અશોક ત્રિભોવનભાઈ– આયુર્વેદ ભાષણ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં દ્વિતીય, વેદ શલાકામાં અને અમરકોશ કંઠપાઠ સ્પર્ધામાં – ભટ્ટ કરણ તુષારભાઈ અને ત્રિવેદી જીગર ભાવિનભાઈ તૃતીય રહ્યા હતાં. તથા અન્ય વિદ્યાર્થીઓએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સર્વને મંત્રમુગ્ધ કરી રાજ્ય સ્તરે જવલંત સિદ્ધિ હાંસલ કરી છે.
આ સિદ્ધિ બદલ મહાવિદ્યાલયના ટ્રસ્ટી વ્રજેશભાઈ પરીખ, પ્રધાનાચાર્ય ડૉ.રઘુભાઈ જોષી, સ્પર્ધા માર્ગદર્શક જિતેન્દ્રભાઈ વ્યાસ તથા મહાવિદ્યાલયના તમામ ગુરુજનોએ બિરદાવ્યા હતા અને રાષ્ટ્રીયસ્તરે અયોધ્યાધામ ખાતે યોજાનાર સ્પર્ધામાં વિજય પ્રાપ્ત કરી ગુજરાત રાજ્યનું ગૌરવ વધારવાના સુભાશિષ પાઠવ્યા હતા.