કાલોલ પાલિકામાં સમાવેશ એવા ગોકુળપુરા ગામના ફળિયામાં પોતાના મળતિયાઓ સાથે વિદેશ બ્રાન્ડના દારૂનો ધંધો ચલાવતા બુટલેગર સુરેશ રાઠોડના મકાનમાં સ્ટેટ વિજિલન્સ પોલીસે છાપો મારતાં રૂ. 25 હજારના દારૂના જથ્થા સાથે રૂ. 4.39 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમો ઝડપાયા હતા. જોકે મુખ્ય બુટલેગર સુરેશ રાઠોડ તેની ગાડી લઈને આબાદ છટકી ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ વિજિલન્સ સેલના પોલીસ કર્મીઓ હાલોલ કાલોલ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી રાહે મળેલી બાતમીને આધારે કાલોલ પાલિકામાં સમાવેશ એવા સ્ટેશન રોડ પર આવેલા ગોકુળપુરા ફળિયામાં રહેતા નામી બુટલેગર સુરેશ રાઠોડના મકાનમાં સ્ટેટ વિજિલન્સ પોલીસે છાપો મારતાં બુટલેગરના મકાનની પાછળના ભાગમાં આવેલી ખુલ્લી જગ્યામાં ત્રણ ઈસમો કંઈક પ્રવૃત્તિ કરી રહ્યા હતા. દરમિયાન પોલીસે છાપો મારતાં ત્રણેય ઈસમોએ નાશભાગ કરતાં તેમનો પીછો કરીને બે ઈસમોને ઝડપી લીધા હતા, જોકે ઝડપાયેલા બંન્ને ઈસમોની પૂછપરછને આધારે ત્યાંથી મુખ્ય બુટલેગર સ્વીફ્ટ કાર લઈને ભાગી ગયો હતો. જ્યારે બન્ને ઈસમો દારૂની લે વેચ માટે મદદગારી કરનારા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઝડપી લીધેલા બન્ને મળતિયાઓને સાથે રાખીને તેમની પાસેના ત્રણ થેલાઓમાં તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે નજીકમાં ઉભેલી કારમાંથી પણ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી રૂ. 25,740 નો દારૂનો જથ્થો, 4000 અંગઝડતીમાં દારૂની વેચાણ રોકડ, રૂ.10 હજારના બે મોબાઇલ અને રૂ. 4 લાખની ગાડી સહિત રૂ. 4,39,740 નો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલ મળતિયાઓની અટકાયત કરીને ફરાર થઈ ગયેલો મુખ્ય બુટલેગર સુરેશ રાઠોડ એમ ત્રણેય પ્રોહીબેશનના આરોપીઓ વિરુદ્ધ કાલોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબેશન ધારાઓ હેઠળનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.