ICC એ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના શિડ્યુલની જાહેરાત કરી દીધી છે. ત્યારે 5 ઑક્ટોબરથી વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે, જે 19 નવેમ્બર સુધી ચાલશે. વર્લ્ડ કપની બધી જ મેચ આ વખતે ભારતમાં રમાવાની છે. જોકે, વર્લ્ડ કપમાં ભારતીય ટીમ 8 ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયા સામે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ્ સ્ટેડિયમમાં ટકરાશે. આ ટૂર્નામેન્ટની પહેલી મેચ 5 ઑક્ટોબરે ઇંગ્લેન્ડ અને ન્યૂ ઝિલેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાશે.
ચેન્નઈના સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો છે
ભારત અને ઑસ્ટ્રેલિયા (BHARAT – AUSTRALIA) વચ્ચેની ટક્કર પર સૌની નજર ટકેલી છે. કારણ કે, ઑસ્ટ્રેલિયા 5 વખત તો ભારત 2 વખત વર્લ્ડ ચેમ્પિયન રહ્યું છે. આમ તો, ઑસ્ટ્રેલિયાની ટીમ ચેપોકના મેદાન પર આ મેચ રમવા અંગે ઘણી ઉત્સુક હશે. કારણ કે, અહીં તેનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. ઑસ્ટ્રેલિયાની ટીમે આ સ્ટેડિયમમાં અત્યાર સુધી 6 વનડે ઇન્ટરનેશનલ રમી છે, જેમાંથી 5 જીતી છે. આ ટીમ વર્ષ 2017માં માત્ર એક વાર ભારત સામે હારી હતી.
આ પિચ સ્પિનર્સ માટે સારી
બીજી તરફ ચેન્નઈના આ સ્ટેડિયમમાં ભારતીય ટીમે અત્યાર સુધી 14 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમાંથી 7 મેચમાં ભારતે જીત તો 6માં હારનો સામનો હામનો કરવો પડ્યો હતો. ચેપોકની પિચ સામાન્ય રીતે સ્પિનર્સ માટે સારી માનવામાં આવે છે અને અહીં ઘણા ટર્ન જોવા મળે છે. ભારતીય ટીમ પાસે પણ આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદિપ યાદવ જેવા જોરદાર સ્પિનર્સ છે. તો ઑસ્ટ્રેલિયા પાસે એડમ જામ્પા અને ભારતીય મૂળના તનવીર સંઘા જેવા સ્પિનર્સ છે. એટલું જ નહીં, બંને ટીમ પાસે એકથી એક ચઢિયાતા બેટ્સમેન પણ છે, જે ગણતરીની મિનિટોમાં આખી ગેમ પલટાવી શકે છે.
અત્યાર સુધી માત્ર 2 વખત વર્લ્ડ કપ જીતી શક્યું ભારત
મહત્વનું છે કે, ભારત સૌપ્રથમ વખત વર્ષ 1983માં પૂર્વ ક્રિકેટર અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવની કેપ્ટન્સીમાં ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યું હતું. ત્યારબાદ ભારતને આ વર્લ્ડ કપ બીજી વખત જીતવા માટે 28 વર્ષનો સમય લાગી ગયો. એટલે કે ભારત બીજી વખત વર્ષ 2011માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્સીમાં વર્લ્ડ કપ જીત્યું હતું. ત્યારબાદથી અત્યાર સુધી એક પણ વખત ભારત વર્લ્ડ કપ નથી જીતી શક્યું, પરંતુ આ વખતે ફરી એક વાર વર્લ્ડ કપ પોતાના નામે કરવા ભારતના ખેલાડીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે.