11 જુલાઇ ના રોજ ‘વિશ્વ વસતી દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. દિનપ્રતિદિન વસ્તી વધારો થઇ રહ્યો છે અને વસ્તી વધારોએ ગંભીર સમસ્યા બની રહી છે. ત્યારે ગુજરાત માટે ચિંતાજનક બાબત છે કે આગામી વર્ષોમાં ગુજરાત દેશભરમાં સૌથી ખરાબ સેક્સ રેશિયો ધરાવતાં રાજ્યોમાં બીજા નંબરે હોવાની શક્યતા અત્યારના રેશિયો પરથી કહી શકાય છે. આગામી વર્ષોમાં ગુજરાતમાં દર હજાર પુરુષે માત્ર 900 મહિલાઓ હશે. ત્યારે 2011ની વસતી ગણતરી પ્રમાણે આ સંખ્યા 919 હતી અને 2021ના અંદાજ મુજબ 907 છે. ધીમે ધીમે પ્રમાણમાં ઘટાડો થઇ રહ્યો છે.
વર્ષ – 2021માં કોરાના મહામારીના કારણે વસતીગણતરી ના થઈ શકી, પરંતુ નેશનલ કમિશન ઓન પોપ્યુલેશન પ્રોજેક્શન અહેવાલમાં 2036 સુધી વસતીને લગતાં વિવિધ અનુમાન કરવામાં આવ્યાં છે. આ અહેવાલનું વિશ્લેષણ કરીએ તો રાજ્યમાં વૃદ્ધ નાગરિકોની સંખ્યા 2036 સુધી 54.45 લાખ વધીને 1.25 કરોડ થવાનો અંદાજ છે. એટલે કે ત્યારે દરેક છઠ્ઠો ગુજરાતી વૃદ્ધ હશે. 15થી 34 વર્ષના યુવાઓની સંખ્યા ગુજરાતમાં 30% રહેશે. 2036માં વધુ વસતીગીચતાના સંદર્ભે ગુજરાત દેશભરમાં 12માં ક્રમાંકે રહેવાનો અંદાજ છે. ગુજરાતની શહેરી વસતી 55% પાર કરી જશે.