પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક પહોંચી ગયા છે. PM 23 જૂન સુધી અમેરિકાની મહત્વપૂર્ણ યાત્રા પર રહેવાના છે. આ દરમિયાન પ્રધાનમંત્રી વિશ્વ યોગ ડે નિમિત્તે UNમાં યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. સાથે-સાથે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનની સાથે ડિનર પણ કરશે.
PM મોદી 20 થી 25 જૂન સુધી અમેરિકા અને ઇજિપ્તની સરકારી યાત્રાએ ગયા છે. PM અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડેનના આમંત્રણ પર અમેરિકા પહોંચ્યા છે. PMનો આ મહત્વપૂર્ણ પ્રવાસ ન્યૂયોર્કથી શરૂ થશે જ્યાં તેઓ 21 જૂને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. યોગ દિવસના કાર્યક્રમ બાદ મોદી 22 જૂને વોશિંગ્ટન ડીસી જશે. જ્યાં તેમનું વ્હાઇટ હાઉસમાં પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવશે.
આ દરમિયાન PM મોદી 22 જૂને જ US કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આ બીજી વખત છે જ્યારે PM મોદી US સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. આવું કરનાર તેઓ પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. આ પહેલા તેમણે 2016માં અમેરિકી સંસદને સંબોધિત કરી હતી. આ પછી PM 23 જૂને ઘણી મોટી કંપનીઓના CEO ને મળશે. આ દરમિયાન PM ટેસ્લા અને ટ્વિટરના માલિક એલોન મસ્ક, નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી પોલ રોમર, કલાકારો, વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોને પણ મળશે. અધિકારીઓએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી લેખક નિકોલસ નસીમ તાલિબ અને રોકાણકાર રે ડાલિયોને મળી શકે છે. PMને મળવાની સંભાવના ધરાવતી અન્ય અગ્રણી હસ્તીઓમાં ફાલુ શાહ, જેફ સ્મિથ, માઈકલ ફ્રોમન, ડેનિયલ રસેલ, એલ્બ્રિજ કોલ્બી, પીટર એગ્રે, સ્ટીફન ક્લાસ્કો અને ચંદ્રિકા ટંડનનો સમાવેશ થાય છે.