કાલોલ: 13 ડિસેમ્બર
કાલોલ તાલુકાના વ્યાસડા ગામની સીમમાં સોમવારે સવારે નવ-દશ વાગ્યાના સુમારે કોતર વિસ્તારમાં આવેલા ખેતરમાં રતનસિંહ શિવાભાઈ પરમાર નામનાં ૭૦ થી ૮૦ વર્ષિય વૃદ્ધ ખેડૂત ઘાસચારો કાપીને ઘર તરફ પરત ફરી રહ્યા હતા એ સમયે અચાનક આવેલા એક જંગલી ભુંડે હુમલો કરીને બચકાં ભરી શરીરના વિવિધ ભાગોએ ફાડી ખાધા, જેમના બચાવમાં ગયેલા તેમના પરિવારના બે ખેડૂતો ઉપર પણ ખુંખાર બનેલા ભુંડે હુમલો કરીને ગંભીર ઇજાગ્રસ્ત કરતાં તેંમને તાત્કાલિક ૧૦૮ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા સ્થિત સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જે ઘટનાની જાણકારીને પગલે મંગળવારે કાલોલ વિધાનસભાના નવનિયુક્ત ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે તાત્કાલિક વ્યાસડા ગામે પહોંચી ઇજાગ્રસ્ત ખેડૂત પરિવારોની મુલાકાત લઈને તેમને સરકાર તરફથી સહાય લાભ મળે તેવી રજૂઆત કરવાનું આશ્વાસન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભુંડના હુમલાનો ભોગ બનેલા ૭૫ વર્ષિય વૃદ્ધ ખેડૂત હાલ સયાજી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ હોવાનું પરિવારજનોએ દુઃખ વ્યક્ત કર્યું હતું.
