Home ખેડા ૦૯ એપ્રિલના રોજ યોજાનાર જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાને લઇ ખેડા જિલ્લા...

૦૯ એપ્રિલના રોજ યોજાનાર જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાને લઇ ખેડા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

207
0

તારીખ ૦૧-૦૪-૨૦૨૩ થી પરીક્ષાર્થીઓ માટે હેલ્પ લાઈન નંબર (૦૨૬૮) ૨૫૫૬૦૨૦ કાર્યરત

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આગામી તારીખ ૦૯/૦૪/૨૦૨૩ના રોજ જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) વર્ગ-૩ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે. ત્યારે ખેડા જિલ્લામાં જુનીયર ક્લાર્કની પરીક્ષા નિષ્પક્ષ, તટસ્થ અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેની તમામ તૈયારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. વાહન વ્યવહાર, કાયદો અને વ્યવસ્થા, સીસીટીવી વીજીલન્સ, સુપરવાઈઝર, સ્કવોડ અને પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં ૫૭ પરીક્ષા કેન્દ્રો ખાતે ૬૨૭ બ્લોકમાં ૧૮,૮૧૦ ઉમેદવારો પરીક્ષા આપશે.

જુનીયર ક્લાર્ક પરીક્ષા માટે અન્ય જિલ્લામાંથી આવતા વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે એસ.ટી. બસોની વ્યવસ્થા અને પરીક્ષા દરમિયાન વીજળીનો પુરવઠો સતત ચાલુ રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામા આવી છે. પરીક્ષા સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ૧૪૪નું જાહેરનામું બહાર પાડી દેવામાં આવેલ છે તથા તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

પરીક્ષામાં ગેરરીતી અટકાવવા બાબતે તા.૧૪/૦૨/૨૦૨૩નું વિધેયક બહાર પાડવામાં આવેલ છે જેમાં કલમ- ૧૨માં ગેરરીતી આચરનાર સામે સજા અને દંડની જોગવાઈ કરવામાં આવેલ છે. ઉપરાંત, પરીક્ષા દરમિયાન કોવિડ-૧૯ની ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવશે. પરીક્ષામાં કોઈ પણ ગેરરીતીને અટકાવવા હેતુ તમામ પરીક્ષા કેન્દ્રોના વર્ગખંડો અને લોબીને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવેલ છે. દિવ્યાંગ પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી લેવામાં આવી છે. સમગ્ર પરીક્ષાનું સફળ સંચાલન કરવા માટે અંદાજીત ૧૫૦૨ જેટલા અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને કામગીરી સુપ્રત કરવામાં આવેલ છે.

પરીક્ષા સેન્ટરને લગતી કોઈ પણ પ્રકારની મુશ્કેલીને તાકીદે દુર કરવા માટે જિલ્લા પંચાયત ભવન ખાતે તારીખ ૦૮-૦૪-૨૦૨૩ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી કંટ્રોલ રૂમ શરૂ થશે જેનો નંબર (૦૨૬૮) ૨૫૩૨૩૫૪ છે. ઉપરાંત, ખાસ કરીને જિલ્લા બહારથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળોને લગતી કોઈ પણ માહિતી કે મદદ માટે તારીખ ૦૧-૦૪-૨૦૨૩ થી હેલ્પ લાઈન નંબર (૦૨૬૮) ૨૫૫૬૦૨૦ કાર્યરત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here