પંચમહાલ જિલ્લાના શહેરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક અજાણી અસ્થિર મગજની આધેડ મહિલાને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. આ મહિલા ઈજાગ્રસ્ત હાલતમાં હોવાથી જાગૃત નાગરિક દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા મહિલાને 108ની ટીમ દ્વારા શહેરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લાવવામાં આવી હતી. ત્યારબાદ હોસ્પિટલમાં આ મહિલાની પૂછપરછ કરતા મહિલાએ કોઈ જવાબ આપ્યો ન હતો. જેને લઈને એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પ લાઈનને કોલ કરી આ સમગ્ર બાબતની જાણ કરતા 181 અભયમની ટીમ તાત્કાલિક શહેરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી પહોંચી હતી,જ્યાં 181 અભયમની ટીમે અસ્થિર મગજની આધેડ મહિલાને કયા વિસ્તારના છો તેની પુછપરછ કરતા મહિલાએ કાલોલ નજીક આવેલ ઝાલાના મુવાડા ગામના હોવાનું જણાવ્યું હતું.જેને લઈને 181ની ટીમે તેઓના પરિવારજનોની શોધખોળ કરી અસ્થિર મગજની આધેડ મહિલાને 181ની ટીમે વાહનમાં બેસાડીને તેઓના ગામ ખાતે લઈ જઈને તેઓના પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો.જ્યાં મહિલાના પરિવારજનોએ 181ની ટીમને જણાવ્યું હતું કે આ મહિલા અસ્થિર મગજના હોવાથી ઘરમાંથી નીકળી જાય છે,જેથી 181ની ટીમે તેઓની સારવાર કરાવવા જણાવાયું હતું.