કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ચક્રવાત “બિપરજોય” સામે સરકાર અને વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરવા માટે નવી દિલ્હીમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા, સાંસદો, ધારાસભ્યઓ, સચિવો અને જિલ્લા મેજીસ્ટ્રેટ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા બેઠકમાં જોડાયા હતા. કેન્દ્રીય ગૃહ સચિવ, હવામાન વિભાગના મહાનિર્દેશક, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્ય સચિવ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય ચક્રવાતી તોફાન “બિપરજોય” દ્વારા થતા સંભવિત નુકસાનને ઘટાડવાનો અને ‘ઝિરો કેઝ્યુઆલીટી’ એટલે કે એક પણ જાનહાની ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. તેમણે કહ્યું કે 12 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સમીક્ષા બેઠકમાં પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્દેશો પર ઝડપથી કાર્ય કરવાની જરૂર છે. વધુમાં કહ્યું કે, કેન્દ્રએ રાહત અને બચાવ કામગીરી માટે પૂરતી સંખ્યામાં NDRF ટીમો તૈનાત કરી છે. આ ઉપરાંત, આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટ ગાર્ડના ટુકડીઓને જરૂરિયાત મુજબ સહાય પૂરી પાડવા માટે તૈનાત કરવામાં આવી છે.
ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારનો કંટ્રોલ રૂમ 24 કલાક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે અને ભારત સરકારની તમામ એજન્સીઓ કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયાર છે. શાહે ગુજરાત સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. ગૃહમંત્રીએ સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને સલામત સ્થળે લઈ જવાની વ્યવસ્થા કરવા, વીજળી, ટેલિકોમ્યુનિકેશન, આરોગ્ય, પીવાનું પાણી વગેરે જેવી તમામ જરૂરી સેવાઓ સુનિશ્ચિત કરવાનું સૂચન કર્યું હતું. અમિત શાહે સોમનાથ અને દ્વારકા મંદિરોની આસપાસ જરૂરી તમામ તૈયારીઓ કરવા પણ જણાવ્યું હતું. અમિત શાહે ગુજરાતના સાંસદો અને ધારાસભ્યોને આ ચક્રવાતના ખતરાથી વાકેફ કરીને પોતપોતાના વિસ્તારના લોકોને દરેક શક્ય રીતે મદદ કરવા અને તમામ વિભાગો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.