કાલોલ: 21 માર્ચ
દેશના ડેઝર્ટ ફોર બેટલના એક્સ ડિવિઝન વોરિયર્સના દશ જવાનોએ રાજસ્થાનના આબુ રોડથી ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના ૮૨૦ કીમીના સાઇકલ પ્રવાસના અભિયાન સાથે નિકળેલા સાઈકલ સવારીના સાહસિક સેનાનીઓ મંગળવારે કાલોલ શહેરમાં પહોંચ્યા હતા જ્યાં સ્ટેશન રોડ પર આવેલી નવરચના ગુરુકુલના પ્રાંગણમાં સેનાનીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નવરચના ગુરુકુલના પ્રાંગણમાં શાળાના વિદ્યાર્થીઓની સાથે સંવાદ કરતા દશ જવાનોએ દેશની ભાવિ પેઢીને માટે વન ઇન્ડિયા, ફિટ ઈન્ડિયા, હિટ ઈન્ડિયાના સંદેશ સાથે અગ્નિવીર સહિતની દેશની વિવિધ સેનાઓની ભરતી માટે ભાવિ પેઢીના યુવાઓને જોડાવવાનો સંદેશ આપ્યો હતો. જે તમામ સાહસિક સેનાનીઓ હાલ એક્સ ડિવિઝન વોરિયર્સની સેનામાં ફરજ બજાવી રહ્યા હોય આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સેના જાગૃતિ અંગે સાહસિક અભિયાન આદર્યું હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા દશ દિવસોથી રાજસ્થાનના માઉન્ટ આબુથી હિંમતનગર, મોડાસા, બાલાસિનોર, કાલોલ, હાલોલ, વડોદરા અને છોટાઉદેપુરના રસ્તે ૮૨૦ કીમીનું અંતર કાપીને ૨૩મી માર્ચના શહીદદિને તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચીને અભિયાનની પુર્ણાહુતિ કરશે તેવી રૂપરેખા આપી હતી. કાલોલ શહેરમાં નવરચના ગુરુકુલના પ્રાંગણ ખાતે સાયકલિસ્ટ સેનાનીઓનું પુર્વ પાલિકા પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય સહિતના શાળા પરિવારના સભ્યોએ તિલક અને પુષ્પગુચ્છોથી સેનાનીઓનું સ્વાગત કરીને અભિયાનની સફળતા અંગે શુભેચ્છાઓ પાઠવી હતી.